અમદાવાદ: રાજકોટના સપૂત અને રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતુ કે ગત મે મહિનામાં લોક સહયોગથી રાજ્યમાં વિશાળ માત્રામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરાયું હતું તેજ રીતે ગુજરાતને ગ્રીન બનાવવામાં ઓગસ્ટ માસમાં પ્રજાજનોના વ્યાપક સહકાર મેળવીને વૃક્ષારોપણનો ઘનિષ્ઠ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
તળાવોના કાંઠા સહિતના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરાશે. ચાલે વર્ષે ગુજરાતમાં ૧૦ કરોડ વૃક્ષોનું વાવેતર કરવાની નેમ છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આજે આપણે વીજળીમાં સરપ્લસ છીએ. પાણીમાં સારપ્લસ થવા માંગીએ છીએ. પાણી માટે રાજ્ય સરકારે પાંચ વર્ષનું આયોજન કર્યું છે. પાણીના દુષ્કાળને ભૂતકાળ બનાવવા માટે આગળ વધી રહ્યા છીએ. પાણીના હયાત સ્ત્રોતોનો વિકાસ અને નવાસ્ત્રોતનો વિકાસ કરાશે. રાજ્યમાં જાડીયા, દહેજ, કચ્છ સહિતના સાત જેટલા સ્થળોએ દરિયાના ખારા પાણીને મીઠુ બનાવવાના પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
રૂપાણીએ ઉમેર્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાન દરમિયાન સરકારની સાથે લોકોના પુરૂષાર્થ દ્વારા ૧૮ હજાર જળસંગ્રહોના કામો થયા છે. ૧૩ હજાર લાખ ઘન મીટર માટીનું ખોદકામ કરીને પાણીની સંગ્રહશક્તિ વધારવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજે મહાનગરપાલિકા રાજકોટ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમાં રેસકોર્સ-૨ ખાતે વૃક્ષારોપણ અને અટલ સરોવર નવા નીરની પૂજાવિધિ કર્યા બાદ કાર્યક્રમમાં બોલતા રૂપાણીએ આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતનો જુદા જુદા ક્ષેત્રમાં વિકાસ કરવા સરકાર આગળ વધી રહી છે. બુલેટ ટ્રેનનું કામ, ધોળાવીરા તથા કચ્છનું સફેદ રણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. સાપુતારાના હિલ સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે. રાજ્યના યાત્રાધામોના વિકાસ સહિતના જુદા જુદા પ્રોજેક્ટો પર કામ ચાલી રહ્યું છે.
રાજકોટને આધુનિક વર્લ્ડક્લાસ સીટી અને હેપીનેસ ઈન્ડેક્સ પ્રકારનું બનાવવા રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા આગળ વધી રહીછે. અટલ સરોવરનો ૪૦ કરોડના ખર્ચે શહેરનું નજરાણું અને તે રીતે વિકાસ કરાશે. રૂપાણીએ જુદા જુદા વિષય પર વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. રાજકોટ શહેરને ગ્રીનસીટી બનાવવા માટે વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહકાર આપવા લોકોને અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાત વિવિધ ક્ષેત્રોમાં ટોચના સ્તર પર પહોંચી રહ્યું છે. આધુનિક રાજકોટ બનાવવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નવું આધુનિક બસ સ્ટેશન, મોહનદાસ ગાંધીના વિદ્યાલયમાં મહાત્મા ગાંધીજીના વિચારોના પ્રસાર માટે મ્યુઝિયમ બનાવવામાં આવનાર છે.