અમદાવાદઃ અમદાવાદ આરટીઓમાં ૧લી ઓગસ્ટથી વધુ એક નિર્ણયની અમલવારી થવા જઇ રહી છે. જે મુજબ, હવે ૧ ઓગસ્ટથી આરટીઓની ૧૨ પ્રકારની કામગીરી ઉપરાંત તેનું પેમેન્ટ પણ હવે રોકડથી નહીં, પરંતુ ફરજિયાત ઓનલાઈન કરવાની સીસ્ટમ અમલી બની રહી છે. નાગરિકો અને વાહનચાલકોએ પોતાના કોઇપણ કામ માટે આરટીઓ તંત્રને ફરજિયાતપણે ઓનલાઇન પેમેન્ટ જ કરવું પડશે.
નવી સીસ્ટમની અમલવારીને લઇ ૩૦ અને ૩૧ જૂલાઇ દરમ્યાન નવા વાહનોના રજિસ્ટ્રેશનની કામગીરી બંધ રહેશે. બીજીબાજુ, ફરજિયાત ઓનલાઇન પેમેન્ટની નવી વ્યવસ્થાના કારણે હવે પછી નાગરિકોને કાઉન્ટરો પર લાંબી લાઈનમાં ઉભા રહેવામાંથી મુકિત મળશે તેવો આરટીઓ તંત્રએ દાવો કર્યો છે. જો કે, બીજીબાજુ, આરટીઓની કામગીરી સાથે સંકળાયેલા લોકોએ આ નિર્ણયની અમલવારી એટલી સરળ અને સહજ નહી હોવાના દાવો કરતાં જણાવ્યું કે, ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવા બાબતે તેના સ્થળ, રિફંડ, સમગ્ર પ્રક્રિયા અથવા તો પધ્ધતિની ટેકનીકલ બાબતોને લઇ હજુ પણ સ્પષ્ટતા નથી, તેથી પબ્લીકને હેરાન થવાનો વારો આવવાનો છે તે નક્કી છે.
આ અંગે અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, આરટીઓ સત્તાધીશોએ ઓનલાઇન પેમેન્ટની જાહેરાત કરી દીધી છે પરંતુ હજુ કેટલીક બાબતોમાં અસમંજસતા પ્રવર્તી રહી છે. ખાસ કરીને પોર્ટલમાં રિફંડની સુવિધા જ નહી હોવાથી તેને લઇ લોકોને ભારે હાલાકીનો ભોગ બનવુ પડે તેવી સ્થિતિ સર્જાશે.
આ સિવાય ઘણી એવી બાબતો છે કે જેને લઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કોઇપણ નવી સીસ્ટમને લાગુ કરતાં પહેલાં સત્તાધીશોએ પબ્લીકને ખાસ કરીને આરટીઓ સાથે જાડાયેલા નાગરિકો-વાહનચાલકોને આગોતરી જાણકારી મળી રહે અને તેમને નવી સીસ્ટમની પૂરેપૂરી ખબર થઇ જાય તેવું આગોતરૂ માળખું અને વ્યવસ્થાતંત્ર ગોઠવવું જાઇએ તેના બદલે દર વખતે આરટીઓ તંત્ર દ્વારા રાતોરાત જ કોઇપણ નિર્ણયની અમલવારી કરી દેવાય છે, જેને લઇ આમ જનતા ભારે હાલાકી અને દ્વિધાનો ભોગ બનતી હોય છે.
નવી ફરજિયાત ઓનલાઇન સીસ્ટમમાં પણ પબ્લીકને કોઇપણ પ્રકારની હાલાકી ના પડે તેનું ધ્યાન રાખવા આરટીઓ સત્તાધીશોને અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ અનુરોધ કર્યો હતો.
આરટીઓની નવી ઓનલાઇન કામગીરીમાં નવું વાહન ખરીદતી વખતે તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવા, વાહનનું ટ્રાન્સફર, વાહનનું ઓનલાઈન પેમેન્ટ, વ્હિકલનું સરનામું બદલાવવું, ડુપ્લિકેટ આરસી બુક કઢાવવી, વાહનની લોન પૂરી થયા પછીની કાર્યવાહી, વિહિકલનું રજિસ્ટ્રેશન પૂરું થયા બાદ રિન્યૂની કામગીરી, વાહનનું એનઓસી, વિહિકલનાં ફિટનેસ સર્ટિફિકેટ, રિએસાઈન્મેન્ટ ઓફ રજિસ્ટ્રેશન નંબર, ડુપ્લિકેટ ફિટનેસ સર્ટિફિકેટ વગેરેનો સમાવેશ થાય છે.
આરટીઓ એસ.પી. મુનિયાએ જણાવ્યું હતું કે ઉપરોક્ત તમામ પ્રક્રિયા આરટીઓમાં ઓનલાઈન થવાથી અરજદારોને લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે. હવે વાહન ખરીદીના તમામ કાગળો અરજદારે અથવા ડિલરોએ વાહન ૪ સોફ્ટવેર પર ઓનલાઈન અપલોડ કરવા પડશે. ત્યારબાદ જ આરટીઓ અધિકારી મંજૂરી આપશે. ત્યાર પછી વાહનનો નંબર જનરેટ થશે. તેનો એસએમએસ અરજદારને મળશે. ડીલરે ફરજિયાત વાહન માલિકનો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ લખવાનો રહેશે. અરજદારે ઓનલાઈન કામગીરી કરવા માટે એચટીટીપી/પરિવહન.ગવ.ઇન વેબસાઈટ ઉપર જવું પડશે જેમાં તેને તમામ કામગીરીમાં વિકલ્પ આપવામાં આવ્યા હશે, તે વિકલ્પ પસંદ કર્યા બાદ જરૂરી માહિતી અપલોડ કરીને છેલ્લે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ પેમેન્ટ રિસિપ્ટની પ્રિન્ટ કચેરીમાં રજુ કરવાની રહેશે. જો ડીલર આ પ્રક્રિયામાં સહકાર નહીં આપે તો તેની ડીલરશિપ રદ કરવા સુધીની કાર્યવાહી થશે.
તમામ પ્રકારની ફીનું ચૂકવણું સાયબર ટ્રેઝરી પોર્ટલ અથવા પેમેન્ટ ગેટ વે પર થઈ શકશે. ગેટ વે પર એસબીઆઇ ઇ-પેનો વિકલ્પ લઈ શકાશે. વિભાગે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે ટાઇઅપ કર્યું છે, જોકે સાયબર ટ્રેઝરી પોર્ટલમાં રિફંડની સુવિધા નથી. હવે આ નવી સીસ્ટમની અમલવારી કેવી રહે છે તેની પર આરટીઓ એજન્ટથી લઇ સામાન્ય નાગરિકોની નજર મંડાઇ છે. ફરિયાદ કરવા માટે સાયબર ટ્રેઝરી કચેરીને ૦૭૯-૨૩૨૫૭૩૨૫ અને ૨૩૨૫૭૩૨૬ પર કોલ કરી શકાશે.