ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં તહેરીકે ઈન્સાફ સૌથી મોટી પાર્ટી તરીકે સામાન્ય ચૂંટણીમાં ઉભરી આવી છે. હાલમાં જ યોજાયેલી પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ઈમરાન ખાનની તહેરીકે ઈન્સાફ પાર્ટીને ૨૭૦ સીટો પૈકી ૧૧૪ સીટો મળી ગઈ છે. જો કે બહુમતીના આંકડાથી આ પાર્ટી પણ ૨૨ સીટ પાછળ રહી ગઈ છે.
આવી સ્થિતિમાં પાર્ટીને આગામી દિવસોમાં સરકાર બનાવવા માટે નાની પાર્ટીઓના સમર્થનની જરૂર પડશે. જેથી ઈમરાનના નેતૃત્વમાં પાકિસ્તાનમાં નવી સરકાર પણ કોઈ સ્થિર સરકાર રહેવાની પાકી ગેરન્ટી મળી રહી નથી. નવાઝ શરીફની પીએમએલ-એમ અને આશિફ ઝરદારીની પીપીપી દ્વારા પાકિસ્તાનની ચૂંટણીમાં પોતાની હારને સ્વીકારી લેવામાં આવી છે.
ઈમરાનખાનની પાર્ટીને નેશનલ એસેમ્બલીમાં બહુમતી કરતા ૨૨ સીટો ઓછી મળી છે. આવી સ્થિતિમાં ઈમરાનની પાર્ટીને પણ બહુમતીના આંકડા સુધી પહોંચવા માટે નાના પક્ષોને મહત્વ આપવું પડશે. જેલમાં રહેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગને ૬૨ સીટો અને પૂર્વ પ્રમુખ આશિફઅલી ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને ૪૩ સીટો મળી છે. આ બંને પાર્ટીઓ દ્વારા ચૂંટણીમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ થયો છે. જો કે તેમના આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા છે.
ઘણા બધા બુદ્ધિજીવી લોકોનું કહેવું છે કે ઈમરાનખાનની કસોટી હવે થનાર છે. એમ પણ જાણવા મળી રહ્યું છે કે પાકિસ્તાનમાં અપક્ષોની સીટ ૧૨ રહી છે. ચૂંટણી કમિશનના કહેવા મુજબ નેશનલ એસેમ્બલીના ૨૬૧ સીટ માટેના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આ અપક્ષોના મત ખૂબ મહત્વપૂર્ણ રહેશે. ૩૪૨ સભ્યોની નેશનલ એસેમ્બલીમાં પીટીઆઈનું સંખ્યાબળ હાલમાં ૧૧૪ રહેલું છે. કરાંચી સ્થિત મુતાહિદા કોમી મુવમેન્ટને સૌથી વધુ નુકસાન થયું છે. તેને કરાંચીમાં ૨૦ પૈકી માત્ર છ સીટો મળી છે.