પાંચ રાજ્યમાં વરસાદ અને પુરથી ૪૬૫થી વધુના મૃત્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી પાંચ રાજ્યોમાં મોનસૂનની વર્તમાન સિઝનમાં પુર અને વરસાદના પરિણામ સ્વરૂપે હજુ સુધી ૪૬૫થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના નેશનલ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧૩૮ લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં ૫૨ લોકોના મોત થઈ ચુક્યા છે.

પુર અને વરસાદના કારણે મહારાષ્ટ્રમાં ૨૬ જિલ્લાઓમાં અસર થઈ છે. જ્યારે બંગાળમાં ૨૨ જિલ્લાઓ, કેરળમાં ૧૪ જિલ્લાઓ, આસામમાં ૨૧ જિલ્લાઓ, ગુજરાતમાં ૧૦ જિલ્લાઓમાં પુરની અસર થઈ છે. આસામમાં ૧૦.૧૭ લાખ લોકોને પુરની અતિ માઠી અસર થઈ છે. જે પૈકી ૨.૧૭ લાખ લોકો હજુ પણ રાહત કેમ્પમાં રહે છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૧૨ ટીમો રાહત અને બચાવ ઓપરેશનમાં માત્ર આસામમાં લાગેલી છે.

એનડીઆરએફની એક ટીમમાં ૪૫ કર્મચારીઓ હોય છે. આવી જ રીતે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને પુરના કારણે ૧.૬૧ લાખ લોકોને માઠી અસર થઈ છે. અહીં એનડીઆરએફની આઠ ટીમો ગોઠવવામાં આવી છે. બીજી બાજુ ગુજરાતમાં ૧૫૯૧૨ લોકોને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં પુર અને વરસાદથી માઠી અસર થઈ છે. એનડીઆરએફની ૧૧ ટીમો રાજ્યમાં તૈનાત કરવામાં આવી ચુકી છે. કેરળમાં પુરના કારણે ૧.૪૩ લાખ લોકોને માઠી અસર થઈ છે. આ રાજ્યમાં ૧૨૫ લોકોના મોત વરસાદ અને પુરના કારણે થઈ ચુક્યા છે. નવ લોકો લાપત્તા દર્શાવવામાં આવ્યા છે.

એનડીઆરએફની ચાર ટીમો દક્ષિણી રાજ્યમાં બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. જ્યારે મહારાષ્ટ્રમાં ત્રણ ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં પણ હાલમાં અતિ ભારે વરસાદ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં પુર અને અસરગ્રસ્ત વિસ્તારો માટે સહાયતા પણ જાહેર કરવામાં આવી ચુકી છે. મોતનો આંકડો બાવન ઉપર રહ્યો છે. ગુજરાતમાં  મોટાભાગની ટીમો હાલમાં ભારે વરસાદ દરમિયાન સંપૂર્ણ રીતે સક્રિય દેખાઈ હતી.

Share This Article