અમદાવાદ : દેશ-વિદેશના ઓકલ્ટીસને એક પ્લેટફોર્મ ઉપર લાવીને જ્ઞાન અને માહિતીના આદાન-પ્રદાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મિરલ ફાઉન્ડેશન દ્વારા દેશભરમાં સૌપ્રથમવાર અમદાવાદ શહેરમાં તા.૨૮ અને ૨૯ જૂલાઇ દરમ્યાન ટુ જી ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમીટ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક ખાતે આયોજિત આ બે દિવસની ગૂઢ વિદ્યા સમીટમાં દેશ-વિદેશમાંથી એક હજારથી વધુ ગૂઢ વિદ્યાના જાણકાર-નિષ્ણાત તજજ્ઞો ભાગ લેવા આવશે. એટલું જ નહી, જાહેરજનતા પણ વિનામૂલ્યે આ સમીટમાં ભાગ લઇ શકશે અને લાઇવ સેશન દરમ્યાન પોતાની સમસ્યા કે પ્રશ્નોના નિવારણ સંબંધી ઉપસ્થિત નિષ્ણાત તજજ્ઞો મહાનુભાવો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે એમ અત્રે મિરલ ફાઉન્ડેશનના સ્થાપક મીતાબહેન જાનીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો યંત્ર, તંત્ર કે મંત્ર સહિતની ગૂઢ વિદ્યાને લઇ ખોટા ભ્રમમાં જીવતા હોય છે અને તેનાથી મોટાભાગે ડરતા હોય છે પરંતુ વાસ્તવમાં એવું કંઇ નથી. જા સાચી પધ્ધતિ અને સાયન્ટીફિક બેઝ પર તેમાં આગળ વધવામાં આવે તો ચોક્કસથી વ્યકિતની સમસ્યા કે પ્રશ્નોનું નિવારણ આવી શકે છે.
દેશભરમાં આ પ્રકારનો ગૂઢ વિદ્યા સમીટ સૌપ્રથમવાર અમદાવાદ શહેરમાં યોજાવા જઇ રહ્યો છે, તેથી અમદાવાદના નગરજનોએ પણ તેનો મહત્તમ લાભ લેવો જાઇએ. બે દિવસના આ સમીટમાં દેશ વિદેશના નિષ્ણાત જ્યોતિષશાસ્ત્ર , વાસ્તુશાસ્ત્ર , અંકશાસ્ત્ર , તંત્ર, યંત્ર, મંત્ર, ફેસ રિડિંગ, બોડી રિડિંગ ક્ષેત્રના જાણકારો, કોસ્મીક એનર્જી નિષ્ણાત, હિપ્નોટીઝ્મ, સાયન્ટીફિક એસ્ટ્રોલોજર સહિતના ગૂઢ વિદ્યાના તજજ્ઞો – મહાનુભાવો ખાસ હાજર રહેશે. આ પ્રસંગે ઇન્ટરનેશનલ જર્નલ ઓન ઓકલ્ટ સાયન્સનું પણ અનાવરણ કરાશે, જે અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે. એકવાર યુજીસીની મંજૂરી મળ્યાં બાદ વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ પણ કરી શકશે.
મિરલ ફાઉન્ડેશનના સ્થાપક મિતાબેન જાનીએ વધુમાં જણાવ્યું હતું કે, બે દિવસીય ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમીટના પ્રથમ દિવસે જર્નલના અનાવરણ ઉપરાંત કાર્યક્રમમાં નિષ્ણાંતો ઉપસ્થિત લોકોના પ્રશ્નો, સમસ્યા, શંકા નિવારણ કરશે તથા વિવિધ માહિતીસભર બાબતો રજૂ કરશે. બીજા દિવસે આ ક્ષેત્રના લગભગ ૫૦થી વધુ જાણકારો વિવિધ વિષયો ઉપર પોતાના અનુભવો અને વિચારો વ્યક્ત કરશે તેમજ રિસર્ચ કેસ સ્ટડીઝની રજૂઆત કરશે. જે આ ક્ષેત્રમાં રસ ધરાવતાં અને કારકિર્દી બનાવવા માંગતા લોકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.
તેમણે ઉમેર્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઓકલ્ટ સાયન્સ વિશે જાણકારીમાં વધારો થતાં મોટી સંખ્યામાં લોકો આ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માટે ઉત્સુક છે અને આ સમીટના માધ્યમથી તેમને પણ યોગ્ય માર્ગદર્શન મળી રહેશે તેવી અપેક્ષા છે. મિરલ ફાઉન્ડેશન દ્વારા ઓકલ્ટ સાયન્સ વિશે જાણકારીના ફેલાવા ઉપરાંત વિવિધ સામાજિક અને ઉમદા કામગીરી પણ નિયમિતપણે કરવામાં આવે છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, આઇ ચેક-અપ કેમ્પ, વિવિધ સંગઠનોને સહાય વગેરે કામગીરીનો સમાવેશ થાય છે. આવતીકાલના સમીટમાં જાહેરજનતા માટે વિનામૂલ્યે ખાસ લાઇવ સેશન રાખવામાં આવ્યો છે, જેમાં સાંજે પાંચથી આઠ વાગ્યા દરમ્યાન કોઇપણ વ્યકિત પોતાની સમસ્યા કે પ્રશ્નોના નિવારણ સંબંધી હાજર નિષ્ણાત તજજ્ઞો મહાનુભાવો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે.