અમદાવાદઃ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાહેરમાં ગંદકી ફેલાવનારા એકમ વિરુદ્ધ ભારે કડકાઇથી કામ લેવાની જે તે ઝોનના હેલ્થ વિભાગને તાકીદ કરી છે, જેને પગલે દક્ષિણ ઝોન, તો આજે દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, મધ્ય ઝોન, પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનમાં તંત્રે સપાટો બોલાવ્યો હતો.
અમ્યુકો હેલ્થ વિભાગની ટીમે આજે ખાસ તો, પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનમાં જારદાર સપાટો બોલાવી નવરંગપુરા, નારણપુરા, આંબાવાડી સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી ફેલાવતાં કુલ ૧૬૫થી વધુ એકમો સીલ કરી દીધા હતા. એટલું જ નહી, હેલ્થ વિભાગના અધિકારીઓએ મધરાતે સમગ્ર ઓપરેશન પાડી કસૂરવાર એકમો પાસેથી રૂ.૬૦ હજારથી વધુનો દંડ પણ વસૂલ્યો હતો. છેલ્લા બે દિવસથી અમ્યુકો હેલ્થ વિભાગની આ કામગીરીને પગલે જાહેરમાં ગંદકી અને કચરો ફેંકી પ્રદૂષણ ફેલાવતાં એકમો અને તત્વોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.
જાહેર રસ્તા પર કચરો ફેંકનારા એકમોને સીલ મારવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝુંબેશ હેઠળ ગઇકાલે મધરાતે બાર વાગ્યે પશ્ચિમ ઝોનની હેલ્થ વિભાગની ટીમ નારણપુરા વોર્ડ અને નવરંગપુરા વોર્ડમાં ત્રાટકી હતી. નારણપુરા વોર્ડના અંકુર ચાર રસ્તા પરની એપોલો ફાર્મસી, બિઝી પાન પાર્લર, સત્યમ્ ફૂટવેર, રમી ફૂટલર્સ, નવરંગપુરા વોર્ડમાં આવેલી મ્યુનિસિપલ માર્કેટની હેવમોર આઇસક્રીમ, વાહ ફૂડ તેમજ આંબાવાડી સર્કલની ઓમ બ્રે (ફૂડ), સંઘવી બ્રધર્સ, ફ્રેન્ડ પાન પાર્લરને ગંદકી ફેલાવવાના મામલે તાળાં માર્યાં હતાં. આ એકમો પાસેથી રૂ. ૬૦ હજારનો દંડ વસૂલાયો હતો.
પશ્ચિમ ઝોનના હેલ્થ વિભાગના વડા ડો. દક્ષાબહેન મૈત્રકે જણાવ્યું હતું કે, ગઇકાલે બપોરે પણ તંત્રના અધિકારીઓએ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડના અર્બુદા એસ્ટેટના કેબ વૂડ આર્ટ, લક્ષ્મી પ્લાયવૂડ, પાયલ સિલ્વર આર્ટ સહિત ચાર એકમને સીલ કરાયાં હતાં. જ્યારે દક્ષિણ ઝોનમાં આજે સવારે ગંદકી ફેલાવવાના મામલે મણિનગરમાં પાંચ, બહેરામપુરામાં ચાર, દાણીલીમડામાં આઠ, ઇન્દ્રપુરીમાં અગિયાર, વટવામાં દસ, ઇસનપુરામાં પાંચ, લાંભામાં સાત, ખોખરામાં દસ એકમ સહિત કુલ સાઠ એકમને તંત્રે તાળાં માર્યાં હતાં.
દક્ષિણ ઝોનના હેલ્થ વિભાગના વડા ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, તંત્રે સીલ મારેલાં એકમોમાં ખોખરા સર્કલનું વાડીલાલ પાર્લર, ખોખરા રેલવે ક્રોસિંગ રોડનું નવદુર્ગા ટ્રેડર્સ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ટીકટેક પાન પાર્લર, શક્તિ પાન પાર્લર, હાટકેશ્વર મેઇન રોડનું ગુજરાત ફૂટવેર, રોયલ રજવાડી શો રૂમ, આરતી સાડી, ઘૂંઘટ સાડી, પટેલ સિઝનેબલ, મણિનગરમાં ગોરધનવાડી ચાર રસ્તા પરનું સત્કાર પાન પાર્લર, રામબાગનું ગોવિંદ સાઇકલ, મણિનગર બસ સ્ટેન્ડ નજીક દિપલતા જ્વેલર્સ, મણિનગર ચાર રસ્તા પરના હાઇનેટ મોબાઇલ અને જય માડી મોબાઇલ શોપનો સમાવેશ થાય છે.
દરમિયાન હેલ્થ વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, આ બંને ઝોન ઉપરાંત નવા પશ્ચિમ ઝોનમાં ૬૫ એકમ, મધ્ય ઝોનમાં ૨૨ એકમ અને પૂર્વ ઝોનના એકમ મળીને આજે સવારે ૧૬૫થી વધુ એકમને સીલ મરાયાં હતાં. અમ્યુકો તંત્રની ગંદકી અને જાહેરમાં કચરો ફેંકનારા એકમો કે તત્વો સામેની આ અસરકારક ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.