ગોધરા: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે સેવાની ભાવના સાથે કરવામાં આવતા લોકોપયોગી કામો અને પ્રવૃત્તિઓનો વ્યાપ ઈશ્વર કૃપાથી સતત વધતો રહે છે. તેમણે જણાવ્યું કે સંત વિભૂતિ નારાયણ બાપુએ દરિદ્ર નારાયણની ઈશ્વરના રૂપમાં સેવા કરીને સેવા પરમો ધર્મનો કલ્યાણકારી માર્ગ ચીંધ્યો છે.
ગુરૂપુર્ણિમાના પવિત્ર પર્વે નારાયણ ધામમાં બાપુની વંદના કરવાની જે તક મળી એનો હર્ષ વ્યકત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે સ્વાર્થ વગર સેવાની ભાવનાથી જ તાજપુરાની પવિત્રતા વધી છે. તેમણે સારા અને લોકોપયોગી કામો કરીને નવા ગુજરાતના નિર્માણનો સંકલ્પ વ્યકત કરવાની સાથે ગુજરાતના ખૂબ કલ્યાણ અને છેવાડાના માનવીના વિકાસના આશિર્વાદની બ્રહ્મલીન બાપુની પાસેથી ખેવના કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુરૂપૂર્ણિમાના પવિત્ર પર્વે મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના પવિત્ર નારાયણતીર્થ તાજપુરા ખાતે નારાયણ આઇ હોસ્પીટલના ૨૫૦ પથારી ધરાવતા ત્રણ નવિન વોર્ડનું લોકોર્પણ કર્યુ હતું. તેમણે તાજપુરા ધામના બ્રહ્મલીન પૂજય નારાયણ બાપુની પર્વને અનુરૂપ ભાવસભર ગુરૂવંદના કરી હતી અને તેમનું દૈહિક નિવાસસ્થાન રહેલી પવિત્ર ગુફામાં દર્શન-અર્ચન કર્યા હતા. તેમણે પૂ.બાપુની ભાવના અને શીખ પ્રમાણે ધર્મસેવાની સાથે માનવસેવાની પરંપરા આગળ ધપાવવા માટે નારાયણ ધામ ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવ્યા હતા.
ભાવિકોએ મુખ્યમંત્રીને સદ્ ગુરૂદેવ અને નારાયણ ભગવાનના જયનાદોથી વધાવી લીધા હતા. ધામ સંચાલકોએ મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું અને પરમપૂજ્ય નારાયણ બાપુની છબી અપર્ણ કરી હતી.
મુખ્ય ટ્રસ્ટી રાજેશભાઇ રાજગોરે સૌને આવકારતા જણાવ્યું હતું કે ‘‘દરિદ્ર નારાયણની સેવા એ જ પ્રભુસેવા’’ના સૂત્રને સાકાર કરવા ટ્રસ્ટ વિનામૂલ્ય આરોગ્ય સેવા કરે છે અને અત્રેની નેત્ર સારવાર સુવિધાનો ૧૧ લાખથી વધુ જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લીધો છે.