નવીદિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે વોડાફોન-આઈડિયા સેલ્યુલરના મેગા મર્જરને અંતિમ લીલીઝંડી આપી દીધી છે. આની સાથે જ ૩૫ ટકા માર્કેટ હિસ્સેદારી અને આશરે ૪૩૦ મિલિયન ગ્રાહકોની સાથે દેશની સૌથી મોટી મોબાઇલ ઓપરેટર કંપની બનવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. વોડા-આઇડિયા ભારતની સૌથી મોટી મોબાઇલ ઓપરેટર કંપની હવે બનશે. આઇડિયા સેલ્યુલર અને વોડાફોને હાલમાં જ તેમના મોબાઇલ બિઝનેસને મર્જ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિ કોમ્યુનિકેશન દ્વારા મુકવામાં આવેલી શરત મુજબ ૭૨.૬૮ અબજ રૂપિયાની સંયુક્ત ચુકવણી કરી હતી.
- માર્ચ ૨૦૧૭માં વોડાફોન ઇન્ડિયા અને આઈડિયા સેલ્યુલરે મર્જર માટેની જાહેરાત કરી હતી
- ઓગસ્ટ ૨૦૧૭માં સેબી અને શેરબજાર દ્વારા મર્જરને લીલીઝંડી આપવામાં આવી હતી
- જુલાઈ ૨૦૧૭માં સીસીઆઈ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવા માટે બંને કંપનીઓને લીલીઝંડી આપી હતી
- જાન્યુઆરી ૨૦૧૮માં એનસીએલટી દ્વારા વોડાફોન ઇન્ડિયા અને આઈડિયા સેલ્યુલર વચ્ચે મર્જરને મંજુરી આપવામાં આવી હતી
- જુલાઈ ૨૦૧૮માં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિ કોમ્યુનિકેશન દ્વારા શરતી મંજુરી આપીને ૭૨ અબજ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. અંતિમ મંજુરી માટે આ ૭૨ અબજ રૂપિયાની માંગ કરવામાં આવી હતી
- ૯મી જુલાઈ ૨૦૧૮ના દિવસે ડોટે મર્જરને લીલીઝંડી આપી હતી અને બંને કંપનીઓને માંગ મુજબના નાણા ચુકવવા કહેવામાં આવ્યું હતું
- ૨૪મી જુલાઈ ૨૦૧૮ના દિવસે શરત મુજબ નાણા ચુકવી દેવામાં આવ્યા બાદ મર્જરનો માર્ગ મોકળો થયો હતો
- ૨૬મી જુલાઈના દિવસે સરકારે અંતિમ મંજુરી મર્જરને આપી દીધી છે
- મર્જર થયા બાદ વોડાફોન આઈડિયા નામથી આ કંપની કામ કરશે અને તેની રેવન્યુ માર્કેટ હિસ્સેદારી ૩૭.૪ ટકા થઇ જશે
- આઇડિયા-વોડાફોન કંપનીના ગ્રાહકોની સંખ્યા ૪૩૮ મિલિયન સુધી પહોંચી જશે