શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઇ છે. જેમાં બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. બાતમી મળ્યા બાદ સવારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં લશ્કરે તોયબાના બે ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો કબજે કરવામાં આવ્યા હતા.
લશ્કરી કાર્યવાહી દરમિયાન સેનાએ એ મકાનને ફુંકી માર્યુ હતુ જેમાં ત્રાસવાદીઓ છુપાયેલા હતા. જમ્મુ કાશ્મીરના કુલગામમાં ૨૨મી જુલાઇના દિવસે જ વહેલી પરોઢે સુરક્ષા દળોએ ત્રણ ખૂંખાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ત્રણેય ત્રાસવાદીઓ પોલીસ, કર્મચારી મોહમ્મદ સલીમનું અપહરણ કરવામાં અને તેમની હત્યા કરવામાં સામેલ હતા. સુરક્ષા દળોને મોટી સફળતા મળી ગઈ હતી. સુરક્ષા દળના જવાનોને ત્રાસવાદીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા હતા.
આ તમામ આતંકવાદી કોન્સ્ટેબલ સલીમની હત્યામાં સામેલ હતા. તમામ આતંકવાદીઓના મૃતદેહ કબજે કરી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી એકે ૪૭ સહિતના હથિયારો મળી આવ્યા હતા. ઠાર થયેલા ત્રાસવાદીઓ પૈકી એક ત્રાસવાદી લશ્કરે તોઇબાનો હતો અને તે સ્થાનિક હોવાનું જાણવા મળ્યું હતુ. બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ કુલગામમાં ખુદવાની વિસ્તારમાં આ ઓપરેશન પાર પાડ્યું હતું. બંને તરફથી કલાકો સુધી ગોળીબારની રમઝટ જામી હતી. એન્કાઉન્ટરથી પહેલા સમગ્ર વિસ્તારને ખાલી કરાવી લેવામાં આવ્યો હતો. સુરક્ષા દળોને આ વિસ્તારમાં ત્રાસવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.
શનિવારના દિવસે જ ત્રાસવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં અન્ય એક જવાન સલીમ શાહનું અપહરણ કરી લીધું હતું અને મોડેથી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. રજા ઉપર રહેલા જમ્મુ કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ સલીમ શાહ દક્ષિણ કાશ્મીરના કુલગામના નિવાસી હતા. સલીમ કુલગામ જિલ્લાના મુતારહામા વિસ્તારમાં રહેતા હતા. તેમનું તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. જુન મહિનાથી લઇને હજુ સુધી આતંકવાદીઓ ત્રણ જવાનોનું અપહરણ કરીને તેમની હત્યા કરી ચુક્યા છે.
સફળતાની સાથે સાથે…
- આતંકવાદીઓ સામે સફળ ઓપરેશનનો દોર જારી
- બીજા બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા
- ત્રાસવાદીઓ જે મકાનમાં છુપાયેલા હતા તે મકાનને ફૂંકી મારવામાં આવ્યું
- ઓપરેશન ઓલઆઉટના ભાગરુપે ત્રાસવાદીઓ સામે કાર્યવાહીનો દોર જારી રહ્યો
- લશ્કરે તોઇબા અને જૈશના અનેક ત્રાસવાદીઓ અને તેમના લીડરો ઠાર થઇ ચુક્યા છે
- જુન મહિના બાદથી ત્રાસવાદીઓ દ્વારા ત્રણ સુરક્ષા જવાનોનું અપહરણ કરી તેમની હત્યા કરવામાં આવી છે
- સેનાના જવાન ઔરંગઝેબ અને પોલીસ કોન્સ્ટેબલ સલીમ શાહની હત્યા કરવામાં આવ્યા બાદ સુરક્ષા જવાનોની શોધખોળ ચાલી રહી છે
- ઓપરેશન ઓલઆઉટમાં સેંકડો ત્રાસવાદી ફુંકાયા છે