નવીદિલ્હી : વોડાફોન-આઈડિયા સેલ્યુલર મર્જર થશે કે કેમ તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. કારણ કે, વોડાફોન-આઈડિયા સેલ્યુલરે ૭૨ અબજ રૂપિયા રોકડ અને બેંક ગેરંટીમાં ચુકવી દીધા છે. યાની સાથે જ મર્જરને ટુંક સમયમાં જ મંજુરી મળી જશે. ફાયનાન્સિયલ દુવિધાને લઇને હવે કોઇ સમસ્યા રહી નથી ત્યારે વોડાફોન-આઈડિયા સેલ્યુલરના મર્જરને આગામી થોડાક દિવસમાં મંજુરી આપી દેવામાં આવશે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા કરવામાં આવેલી સ્પેક્ટ્રમ ચાર્જની માંગને લઇને હવે કોઇ દુવિધા રહી નથી. કંપનીઓએ વન ટાઈમ સ્પેક્ટ્રમ ચાર્જ માટે ૩૩.૨૨ અબજ રૂપિયાની બેંક ગેરંટી આપી દીધી છે. આ ઉપરાં સ્પેક્ટ્રમ માટે ૩૯.૨૬ અબજ રૂપિયા રોકડમાં આપી દીધા છે. ચુકવણી કરવામાં આવ્યા બાદ હવે વોડાફોન-આઈડિયા નામની નવી કંપની ટૂંક સમયમાં જ શરૂ થઇ શકશે અને મર્જરને મંજુરી મળી શકશે.
જો કે, હજુ પણ કેટલીક દુવિધાઓ અને પડકારો રહેલા છે. કંપનીઓએ સુરક્ષા હેઠળ આ રકમ ચુકવી દીધી છે. કંપનીઓ દ્વારા દેવાની ફેર ગણતરી માટેની માંગ કરી છે પરંતુ ડોટ દ્વારા હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વિલંબને ટાળવાના હેતુસર કંપનીઓ દ્વારા સરકાર દ્વારા કરવામાં આવેલી માંગ મુજબ પૂર્ણ રકમ ચુકવી દેવાનો નિર્ણય કર્યો છે. હવે કોઇપણ વિલંબ વગર બંને કંપનીઓ આગળ વધી શકશે. વોડાફોન અને આઈડિયાના ટોચના અધિકારીઓએ હાલમાં જ મિટિંગ યોજી હતી જેમાં સંકેત આપવામાં આવ્યો હતો કે, હવે વિલંબ માટે કોઇ કારણ નથી. સંયુક્ત ટ્રેનિંગની શરૂઆત પણ થઇ ચુકી છે. આની સાથે જ વોડાફોન આઈડિયા દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની જશે.