નવી દિલ્હી: ટ્રક ઓપરેટરોની રાષ્ટ્રવ્યાપી હડતાળ આજે ચોથા દિવસે પણ યથાવતરીતે જારી રહી હતી. તેમની હડતાળને વહેલી તકે અંત આવે તેવા કોઇ સંકેત દેખાઈ રહ્યા નથી. ઓલ ઇન્ડિયા મોટર્સ ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા આ અચોક્કસ મુદ્દતની રાષ્ટ્રવ્યાપી હડતાળ જારી કરવામાં આવી છે.
હડતાળના લીધે ફાઈનાન્સિયલ અને અન્ય રીતે ભારે નુકસાન થઇ રહ્યું છે. ટ્રાન્સપોર્ટરોની ફરિયાદ છે કે, નોટબંધી, ઉત્પાદન ખર્ચમાં વધારો, ફ્યુઅલની વધતી જતી કિંમતો, જીએસટીના ઉંચા દર અને અન્ય કારણોસર ભારે મુશ્કેલીમાં છે. તેમની ડિઝલની કિંમતોમાં ઘટાડો કરવા સહિતની માંગણીનો સમાવેશ થાય છે. ઓલ ઇન્ડિયા મોટર્સ ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા દાવો કરાયો છે કે, ભારે નુકસાન થઇ રહ્યું છે. સમગ્ર દેશમાં મેન્યુફેક્ચરિંગ, ટ્રાન્સપોર્ટેશન, સેલ્સ, ટાઈમ, લેબર સહિતના જુદા જુદા પરિબળોના પરિણામ સ્વરુપે ત્રણ દિવસમાં ૬૦૦૦૦થી ૭૦૦૦૦ કરોડનું નુકસાન થયું છે.
રેવન્યુ નુકસાન ઉપરાંત ડિઝલના કારણે પણ નુકસાન થયું છે. ટ્રક હડતાળ આજે ચોથા દિવસે પણ જારી રહી હતી. જેના કારણે તેની સીધી અસર હવે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ પર થઇ રહી છે. મોટા ભાગના મોટા ઉદ્યોગો અને વેપારી કેન્દ્રો પર બુકિંગ, લોડિંગ અને અનલોડિંગને લઇને ૭૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. ટ્રક હડતાળના કારણે દરરોજ ૨૦૦૦૦ કરોડનુ નુકસાન થઇ રહ્યુ છે. એકલા ટ્રાન્સપોર્ટર સેક્ટરને દરરોજ ૧૨૦૦૦ કરોડનુ નુકસાન થઇ રહ્યુ છે. હાલમાં સરકાર અને હડતાળી લોકો વચ્ચે સમાધાનના કોઇ સંકેતો દેખાઇ રહ્યા નથી. ટ્રકની હડતાળ ૨૦મીથી શરૂ થઇ હતી.
ગુજરાત સહિત દેશભરમાં આશરે ૯૫ લાખ જેટલી ટ્રકોનાપૈડા થંભી ગયા છે, જેને લઇ અગત્યના કન્સાઇનમેન્ટ્સ અને માલ-સામાનનું પરિવહન પણ થંભી ગયું છે. રાષ્ટ્રવ્યાપી હડતાળના કારણે રોજનું અબજા રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. ડીઝલના ભાવમાં ઓઇલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલો બેફામ વધારો, સરકારની ટોલ ટેક્સની નીતિ, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પ્રિમિયમમાં કરવામાં આવેલો વધારો, જીએસટીના ઇ-વે બિલ સંદર્ભે સરકારની નીતિ અને પડતર પ્રશ્નોને લઇને ગુજરાત સહિત દેશભરના ટ્રાન્સપોર્ટરો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઊતરી ગયા છે. જેના પગલે ગુજરાતમાં એક અંદાજ મુજબ નવ લાખ ટ્રકમાં પૈંડાં થંભી ગયાં છે.
ટ્રાન્સપોર્ટ સેકટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે હડતાળના પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને એક અંદાજ મુજબ રોજનું ચાર હજાર કરોડથી વધુનું નુકસાન થશે. એટલું જ નહીં કાચા માલ તથા તૈયાર માલનું પરિવહન પણ થંભી જશે. જેના કારણે ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના ઉપપ્રમુખ મૂકેશ દવેના જણાવ્યા પ્રમાણે હડતાળના પગલે નવ લાખ ટ્રકોનાં પૈંડાં થંભી જતાં તથા અન્ય ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ તેની સીધી અસર પડશે. જો કે ઇમરજન્સી સેવામાં હડતાળના કારણે કોઇ મુશ્કેલી ઊભી ન થાય તે જોવાશે.
ઉલ્લેખનીય છે કે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે સમગ્ર દેશભરમાં હડતાળનો કોલ આપ્યો છે. સમગ્ર દેશમાં ૯પ લાખ ટ્રકો-લકઝરી બસોનાં પૈડાં થંભી ગયા છે.