અમદાવાદઃ ધી ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઇસીએસઆઇ)ની ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ કોન્ફરન્સનું અમદાવાદમાં પૂર્ણાહુતિ થઇ હતી. બે દિવસીય ઓલ ઇન્ડિયાયા લેવલની આ સ્ટુડન્ટ કોન્ફરન્સમાં આઇસીએસઆઇના પ્રમુખ મકરંદ લેલે, સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર આશિષ દોશી, આઇસીએસઆઇના સેક્રેટરી સીએસ દિનેશ અરોરા, ડાયરેકટર સ્ટુડન્ટ સર્વિસ એ.કે. શ્રીવાસ્તવ સહિતના નિષ્ણાત મહાનુભાવો અને તજજ્ઞો હાજર રહ્યા હતા.
નિષ્ણાત તજજ્ઞોએ દેશભરમાંથી હાજર રહેલા સીએસના વિદ્યાર્થીઓને સીએસના અભ્યાસ બાદ પ્રોફેશનલી કેવી રીતે કામ કરવું અને કઇ ગુણવત્તા સાથે કામ કરવું તે સહિતના વિષયો પર મહત્વની જાણકારી માર્ગદર્શન આપ્યા હતા. સાથે સાથે વિદ્યાર્થીઓને એવી શીખ પણ અપાઇ હતી કે, જીવનમાં વ્યવસાયિક સફળતાની સાથે સાથે નૈતિક મૂલ્યો થકી વિકાસશીલ સમાજની રચના અને સેવામાં યોગદાન આપવું પણ એટલું જ જરૂરી છે.
આઇસીએસઆઇ દ્વારા સૌપ્રથમવાર આઇસીએસઆઇ સિગ્નેચર એવોર્ડ સ્કીમની જાહેરાત કરાઇ હતી અને તેના અનુસંધાનમાં રાજયની યુનિવર્સિટીઓ દ્વારા લેવાતી બી.કોમની પરીક્ષામાં ટોપર સ્ટુડન્ટને આઇસીએસઆઇ સિગ્નેચર એવોર્ડ-ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. આ માટે આઇસીએસઆઇ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે ગઇકાલે મહત્વપૂર્ણ કરાર પણ કરવામાં આવ્યા હતા. એટલું જ નહી, નજીકના ભવિષ્યમાં આઇઆઇએમના ટોપરને પણ સિગ્નેચર એવોર્ડ માટે આઇસીએસઆઇ અને આઇઆઇએમ વચ્ચે કરાર કરવામાં આવશે. આ અંગેની ચર્ચા વિચારણા પણ ચાલી રહી છે.
૧૯મી ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ અંગે આઇસીએસઆઇના પ્રમુખ સીએસ મકરંદ લેલે અને સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર આશિષ દોશીએ જણાવ્યું હતું કે, આઇસીએસઆઇ ભારત સરકારના કંપની બાબતોના મંત્રાલયની હકુમત હેઠળ કામ કરે છે. આઇસીએસઆઇના રોલ પર દેશભરમાં ૫૫ હજારથી વધુ સભ્યો અને આશરે સાડા ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ છે. સ્ટુડન્ટ કોન્ફરન્સીસ અને ઓલ ઇન્ડિયા કોમ્પીટીશન્સમાં વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની અને વ્યકિતત્વ વિકસાવવાની તક મળે છે. જેનાથી તેઓ કોર્પોરેટ જગતમાં પડકારજનક કામગીરી કરી શકે છે અને દેશના આર્થિક વિકાસમાં તેમનું બહુમૂલ્ય યોગદાન આપી શકે છે.
તેમણે સીએસના નવા અભ્યાસક્રમ અંગે જણાવ્યું કે, ધોરણ-૧૨ કોમર્સ અને બી.કોમ પછીના કંપની સેક્રેટરીઝ(સીએસ) અભ્યાસક્રમમાં ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (આઇસીએસઆઇ) દ્વારા નવો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે, જેમાં પ્રોફેશનલ કોર્સમાં જૂન-૨૦૧૯થી નવા કોર્સની પરીક્ષા લેવાશે જયારે એકઝીકયુટીવ કોર્સમાં ડિસેમ્બર-૨૦૧૮થી નવા કોર્સમાં પરીક્ષા લેવાશે. નવા પ્રોફેશનલ કોર્સમાં બે વિષયમાં ઓપન બુક એકઝામ રખાઇ છે. આ બે વિષયમાં મલ્ટી ડિસીપ્લીનરી સ્ટડીનું ૧૦૦ માર્કસનું પેપર હશે.
આઇસીએસઆઇના પ્રમુખ સીએસ મકરંદ લેલે અને સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર આશિષ દોશીએ વધુમાં ઉમેર્યું હતું કે, આઇસીએસઆઇ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર આઇસીએસઆઇ સિગ્નેચર એવોર્ડ સ્કીમની જાહેરાત કરાઇ છે. આ માટે ગઇકાલે ગુજરાત યુનિવર્સિટીના વીસી સહિતના સંબંધિત સત્તાવાળાઓની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ કરાર કરાયા છે.
જેથી યુનિવર્સિટી દ્વારા લેવાતી બી.કોમની પરીક્ષામાં ટોપર આવનાર વિદ્યાર્થીને સિગ્નેચર એવોર્ડ-ગોલ્ડમેડલ એનાયત કરાશે. રાજયની અન્ય યુનિવર્સિટીઓ સાથે પણ આ પ્રકારનો કરાર કરવામાં આવશે. સૌથી મહત્વનું, આઇસીએસઆઇ નજીકના ભવિષ્યમાં આઇઆઇએમ-એના ટોપર વિદ્યાર્થીને સિગ્નેચર એવોર્ડ માટે આઇઆઇએમ-એ સાથે પણ અગત્યના કરાર કરવા જઇ રહી છે, જે અંગેની વાટાઘાટો ચાલી રહી છે. ઓલ ઇન્ડિયા કોન્ફરન્સમાં દેશભરમાંથી ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.