બેંગ્લોર: કર્ણાટકના પાટનગર બેંગ્લોરમાં અમીરોની એક ક્લબમાં બેડમિંટન કોર્ટમાં બનેલા લોકરમાં ઉંડી તપાસ કરવામાં આવ્યા બાદ અધિકારીઓ પણ ચોંકી ગયા છે. આના કારણે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
સેન્ટમાર્ક રોડ સ્થિત બોવરિંગ ઇન્સ્ટીટ્યુટના આ લોકરમાંથી આવકવેરા વિભાગને ૫૦૦ કરોડ રૂપિયાની પ્રોપર્ટીના દસ્તાવેજા મળી આવ્યા છે. આ ઉપરાંત ૭.૮ કરોડ રૂપિયાના હિરા અને સોના તથા ૫.૭ કરોડ રૂપિયાની વિદેશી મૂડી જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક કિંમતી ઘડિયાળો પણ મળી આવી છે.
એમ કહેવામાં આવે છે કે, ક્લબના ગેરકાયદે લોકરમાં આ તમામ રકમ અને સંપત્તિ એસ્ટેટ બિઝનેસમેન અવિનાશ અમરલાલ કુકરેજા દ્વારા છુપાવીને મુકવામાં આવી હતી. વિભાગે તમામ દસ્તાવેજા અને સંપત્તિ જપ્ત કરી લીધી છે. કુકરેજાની પુછપરછ પણ હાથ ધરવામાં આવી છે. કુકરેજા વર્ષ ૧૯૯૩થી આ ક્લબમાં મેમ્બર તરીકે રહ્યા છે.
આશરે ૧૦૦૦૦ સભ્યો વાળા આ ક્લબના અધિકારીઓનું કહેવું છે કે, કુકરેજાની માતા પણ સામાન્યરીતે અહીં આવતા રહે છે અને અહીં પોતાની મહિલા મિત્રોની સાથે પત્તા રમે છે. કુકરેજા મૂળભૂત રીતે રાજસ્થાનના નિવાસી છે અને અહીંના એક ચર્ચાસ્પદ બિલ્ડર ગ્રુપમાં તેમની હિસ્સેદારી છે. કથિત રીતે લોકોની પ્રોપર્ટીના કાગળો લઇને લોન આપવામાં આવી છે.
આ મામલો એ સમયે પ્રકાશમાં આવ્યો છે જ્યારે કલબ મેનેજમેન્ટે હાલમાં જ નિર્ણય કર્યો હતો કે, એવા લોકરને ખોલવામાં આવશે જેમના માલિકોને વારંવાર કહેવામાં આવ્યું હોવા છતાં કોઇ જવાબ મળી શક્યા નથી. ૧૨૬ લોકરોને ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કુકરેજાનું લોકર ખોલવામાં આવ્યા બાદ આ સંપત્તિ મળી છે.