શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુલગામમાં આજે વહેલી પરોઢે સુરક્ષા દળોએ ત્રણ ખૂંખાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ત્રણેય ત્રાસવાદીઓ પોલીસ, કર્મચારી મોહમ્મદ સલીમનું અપહરણ કરવામાં અને તેમની હત્યા કરવામાં સામેલ હતા. સુરક્ષા દળોને આજે મોટી સફળતા મળી ગઈ હતી. કલાકોના ગાળામાં જ બદલો લઇ લેવામાં આવ્યો છે. સુરક્ષા દળના જવાનોને ત્રાસવાદીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે.
એન્કાઉન્ટર પૂર્ણ થયા બાદ જમ્મુ કાશ્મીર ડીજીપી એમપી વૈદ્યએ કહ્યું છે કે, આજે સવારે અથડામણમાં ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. આ તમામ આતંકવાદી કોન્સ્ટેબલ સલીમની હત્યામાં સામેલ હતા. તમામ આતંકવાદીઓના મૃતદેહ કબજે કરી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી એકે ૪૭ સહિતના હથિયારો મળી આવ્યા છે. ઠાર થયેલા ત્રાસવાદીઓ પૈકી એક ત્રાસવાદી લશ્કરે તોઇબાનો હતો અને તે સ્થાનિક હોવાનું જાણવા મળ્યું છે. બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ કુલગામમાં ખુદવાની વિસ્તારમાં આ ઓપરેશન પાર પાડ્યું હતું. બંને તરફથી કલાકો સુધી ગોળીબારની રમઝટ જામી હતી. એન્કાઉન્ટરથી પહેલા સમગ્ર વિસ્તારને ખાલી કરાવી લેવામાં આવ્યો હતો. સુરક્ષા દળોને આ વિસ્તારમાં ત્રાસવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.
શનિવારના દિવસે જ ત્રાસવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં અન્ય એક જવાન સલીમ શાહનું અપહરણ કરી લીધું હતું અને મોડેથી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. રજા ઉપર રહેલા જમ્મુ કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ સલીમ શાહ દક્ષિણ કાશ્મીરના કુલગામના નિવાસી હતા. સલીમ કુલગામ જિલ્લાના મુતારહામા વિસ્તારમાં રહેતા હતા. તેમનું તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. ગોળીઓથી છન્ની કરવામાં આવેલો મૃતદેહ મળી આવ્યા બાદ સુરક્ષા દળોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. જુન મહિનાથી લઇને હજુ સુધી આતંકવાદીઓ ત્રણ જવાનોનું અપહરણ કરીને તેમની હત્યા કરી ચુક્યા છે. આ પહેલા સેનાના જવાન ઔરંગઝેબની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
બીજી બાજુ મોદી સરકારના ચાર વર્ષના શાસનકાળમાં સુરક્ષા દળોએ ૬૯૮ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. મોદી સરકારના શાસનમાં ચલાવવામાં આવી રહેલા ઓપરેશન આલઆઉટના કારણે ત્રાસવાદીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને એક પછી એક કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારવામં આવ્યા છે. લશ્કરે તોઇબા અને હિઝબુલના ત્રાસવાદીઓના લીડરો મુખ્યરીતે ફુંકાઈ ચુક્યા છે, પરંતુ ત્રાસવાદીઓ ગુપ્તરીતે સ્થાનિક લોકોની મદદથી હજુ પણ હુમલા કરી રહ્યા છે.