નવીદિલ્હીઃ મોદી સરકારની સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન લોકસભામાં જોરદાર ધાંધલ ધમાલ થઇ હતી. કોંગ્રેસ તરફથી અધ્યક્ષ રાહુલ ગાંધીએ જવાબદારી સંભાળી હતી. બીજી બાજુ રાહુલ ગાંધીના નિવેદનથી ભાજપમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. રાહુલના હુમલા બાદ નારાજ ભાજપે તેમની સામે વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવવાની તૈયારી કરી છે.
પાર્ટીએ કહ્યું છે કે, ગૃહમાં રાહુલ ગાંધીએ સંરક્ષણ મંત્રાલય અને સરકાર ઉપર બિનજરૂરી પ્રહારો કર્યા હતા. ભાજપ રાફેલ ડિલને લઇને રાહુલના આક્ષેપથી વધારે પરેશાન છે જેથી તેમની સામે વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવવામાં આવી રહી છે. આ સંદર્ભમાં સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારે કહ્યું હતું કે, ભાજપ સાંસદ ગૃહની સામે ખોટી રીતે અને પુરાવા વગર નિવેદનબાજી બદલ રાહુલ ગાંધીની સામે વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવશે.
રાહુલ ગાંધીએ રાફેલ ડિલના મુદ્દા ઉપર સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન ઉપર પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ફ્રાંસના પ્રમુખ મેક્રો સાથે જ્યારે તેમની વાતચીત થઇ ત્યારે કહ્યું હતું કે, રાફેલ જેટ વિમાન ઉપર ભારતની સાથે તેમની કોઇ ગુપ્ત સમજૂતી થઇ નથી. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદી અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન આ સંદર્ભમાં દેશ સમક્ષ ખોટી વાત કરી રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે, યુપીએ સરકારના ગાળા દરમિયાન પ્રતિ વિમાન કિંમતમાં ૫૨૦ કરોડ રૂપિયા હતી જ્યારે વડાપ્રધાન મોદી ફ્રાંસ ગયા ત્યારે કોઇ જાદુઈ શક્તિ સાથે પ્રતિ વિમાન આની કિંમત ૧૬૦૦ કરોડ રૂપિયા થઇ ગઈ હતી. સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન અહીં છે.
નિર્મલા સીતારામને કહ્યું હતું કે, મૂલ્યના સંદર્ભમાં તેઓ વાત કરશે પરંતુ ત્યારબાદ સ્પષ્ટરીતે કહ્યું હતું કે, તેઓ આવી વાત કરી શકવાની સ્થિતિમાં નથી. ફ્રાંસ અને ભાજપ સરકારની વચ્ચે કોઇ ગુપ્ત સમજૂતિ થઇ નથી. રાહુલ ગાંધીના નિવેદન બાદ ધાંધલ ધમાલ શરૂ થઇ ગઈ હતી જેના પરિણામ સ્વરુપે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને કામગીરી થોડાક સમય સુધી મોકૂફ કરવાની ફરજ પડી હતી. થોડાક સમય સુધી ડિબેટ મોકૂફ રાખવામાં આવ્યા બાદ ફરી આના ઉપર ચર્ચા શરૂ થઇ હતી.
બીજી બાજુ આજે સવારે બીજેડીના સભ્યોએ લોકસભામાં અવિશ્વાસ દરખાસ્ત પહેલા વોકઆઉટ કર્યો હતો જ્યારે શિવસેનાના સભ્યો ગૃહમાં ઉપસ્થિત રહ્યા ન હતા.