નવી દિલ્હીઃ સંસદનું મોનસુન સત્ર આજે શરૂ થયું હતું. પ્રથમ દિવસે રાજ્યસભાની કામગીરી મોકૂફ કરવામાં આવી હતી. ખાસ પેકેજ માટેની ટીડીપીની માંગને લઇને ભારે હોબાળો થયો હતો અને ત્યારબાદ કામગીરી મોકૂફ કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશ માટે સ્પેશિયલ પેકેજ માટેની માંગણી ઉપર તરત ચર્ચા કરવાની ટીડીપી તરફથી માંગ કરવામાં આવી હતી. ચેરમેન એમ વેંકૈયા નાયડુએ આ મામલા પર આવતીકાલે અથવા તો ત્યારબાદ ચર્ચા માટે સહમતિ દર્શાવી હતી.
શૂન્યકલાક દરમિયાન પેપરો રજૂ કરવામાં આવ્યા હતા. તે ગાળા દરમિયાન જ ટીડીપીના સીએમ રમેશે ઉભા થઇને આંધ્રપ્રદેશના મુદ્દા પર ચર્ચા કરવાની માંગ કરી હતી. નાયડુએ કહ્યું હતું કે, તેઓ જુદા જુદા મુદ્દા ઉપર ચર્ચા માટે નિયમોને સસ્પેન્સ રાખવાની નોટિસ મેળવી ચુક્યા છે. રમેશ સહિતના સભ્યો તરફથી રજૂઆત કરવામાં આવી હતી.
મોનસુન સેશનના પ્રથમ દિવસે મોદી સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત સ્વીકારી લેવામાં આવી હતી. ધાંધલ ધમાલનો દોર પ્રથમ દિવસે જ શરૂ થઇ ગયો હતો. અગાઉ સત્ર શરૂ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે, તેમની સરકાર કોઇપણ મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે. તેલુગુદેશમ પાર્ટીના સભ્ય વાયએસ ચૌધરીએ ચાર કલાક ચર્ચાની માંગ કરી હતી.