નવીદિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિન્ડયાએ ૭૦૦૦૦ કર્મચારીઓ પાસેથી એ રકમ પરત કરી દેવા માટે કહ્યું છે જે તેમને નોટબંધીના ગાળા દરમિયાન ઓવરટાઇમ સર્વિસ કરવાના બદલામાં ચુકવવામાં આવી હતી. આ ૭૦૦૦૦ કર્મચારીઓ એવી પાંચ સહાયક બેંકોના છે, જેમનું મર્જ હવે એસબીઆઈમાં કરવામાં આવી ચુક્યું છે.
એસબીઆઇનું કહેવું છે કે, જ્યારે ઓવરટાઈમ પેમેન્ટ ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે આ બેંકો મર્જ થઇ ન હતી. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એસબીઆઈએ પોતાના આંતરિક સરક્યુલરમાં કહ્યું છે કે, એવા કર્મચારીઓ માટે ઓવરટાઈમ વળતર નક્કી કરવામાં આવ્યું હતું જે નોટબંધીના ગાળા દરમિયાન એસબીઆઈની શાખાઓમાં કામ કરી રહ્યા હતા.
ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસુર, સ્ટેટ બેંક ઓફ ત્રાવકોર અને સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર એસબીઆઈમાં મર્જ થઇ ચુકી છે. આ તમામ પાંચેય બેંકો એસબીઆઈમાં પહેલી એપ્રિલ ૨૦૧૭ના દિવસે મર્જ થઇ ગઈ હતી. ત્યારે નોટબંધીની જાહેરાત ૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે કરવામાં આવી હતી.
એસબીઆઈએ ૧૪મી નવેમ્બરથી ૩૦મી ડિસેમ્બર ૨૦૧૬ના ગાળા દરમિયાન સાંજે સાત વાગ્યા બાદ પણ કામ કરનાર કર્મચારીઓને તેમના હોદ્દા મુજબ માર્ચથી મે ૨૦૧૭ વચ્ચે ઓવરટાઈમ વળતર જારી કરીને તેમને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કર્યા હતા. હવે જ્યારે પૂર્વના એસોસિએટ્સ બેંકોનાકર્મચારીઓને પૈસા પરત કરવા માટે કહેવામાં આવી રહ્યું છે ત્યારે આ કર્મચારીઓ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વળતર મળ્યાને વર્ષ થઇ ગયું છે.