ચેન્નાઈઃ આવકવેરા વિભાગના તપાસ અધિકારીઓએ ચેન્નાઈમાં એક કોન્ટ્રાક્ટરની કંપની ઉપર દરોડા પાડ્યા બાદ અભૂતપૂર્વ સંપત્તિ મળી આવી છે. આ મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. કોન્ટ્રાક્ટર ઉપર આઈટીના દરોડા દરમિયાન ૧૬૦ કરોડ રૂપિયા રોકડ અને ૧૦૦ કિલો સોનું મળ્યા બાદ આ મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે.
ચેન્નાઈ, અરુપુકોતાઈ, વેલ્લોર અને મદુરાઈમાં ૧૦૦થી વધુ અધિકારીઓની ટુકડીએ ૨૦થી વધારે એસપીએ કેમ્પસમાં દરોડા પાડ્યા હતા. ઓપરેશન પાર્કિંગ મની નામથી દરોડા પાડવામાં આવ્યા હતા. આજે પણ આ દરોડાની કાર્યવાહી જારી રહી હતી. એસપીકે ગ્રુપના પ્રમોટરોમાં એક નાગરાજન સેયાદુરાઈ છે. કોર્પોરેટ મંત્રાલયની વેબસાઇટ મુજબ તેઓ કોન્ટ્રાક્ટ કામગીરી કરે છે. તેમના અન્નાદ્રમુકના નેતા સાથે પણ સંબંધ રહેલા છે. સેયાદુરાઈ દ્વારા પ્રચાર કંપની અનેક મોટી રાજ્ય યોજનાઓમાં સામેલ રહ્યા છે.
અધિકારીઓનું કહેવું છે કે, કરચોરીના સંદર્ભમાં માહિતી મળ્યા બાદ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કલાકોના ગાળામાં જ ૮૦ કરોડ રૂપિયા રોકડ મળી ગયા હતા. આઈટી વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, ચેન્નાઈમાં ગ્રુપ ડિરેક્ટર્સની ઓફિસમાં અને ઘરમાં દરોડા પાડ્યા બાદ નોટના બંડલો મળી આવ્યા હતા. સોનાના દાગીનાઓ ઉપરાંત સોનાના બિસ્કીટ પણ મળી આવ્યા છે. તાજેતરમાં જ ટીટીવી દિનાકરણ શિવિર અને ડીએમકે દ્વારા હાઈવે કોન્ટ્રાક્ટમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેઓએ આ સોદાબાજીમાં અન્નાદ્રમુકના નેતાના નજીકના સાથીઓની સંડોવણી હોવાની વાત કરવામાં આવી હતી. અભૂતપૂર્વ પ્રમાણમાં રોકડ રકમ મળી આવ્યા બાદ હજુ પણ તપાસ ચાલી રહી છે. મળેલી રકમમાં મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. ૧૬૦ કરોડ રૂપિયા રોકડ મળ્યા બાદ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.