વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્માર્ટ સિટીની પરિકલ્પના ધરાવતા ધોલેરા સીટીમાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સના ખાતમૂહુર્ત આગામી ચાર-પાંચ મહિનામાં તબક્કાવાર થશે. ₹2100 કરોડનાં ખર્ચે એરપોર્ટ, બિઝનેસ-એકઝીબિશન સેન્ટર, સોલર પાર્ક, ₹7000 કરોડનો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે જેવા પ્રોજેક્ટ્સની કામગીરી શરૂ થશે.
હાલમાં ₹2800 કરોડના પ્રોજેકટના કામકાજ ચાલુ જ છે. આ ઉપરાંત ₹15,000 કરોડથી વધુના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રકચરને લગતાં પ્રોજેકટની કામગીરી શરૂ થઇ જશે. આ મોટા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને કારણે વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં ધોલેરા મુખ્ય કેન્દ્ર રહેશે એમ રાજ્ય સરકાર માને છે.
ઉદ્યોગ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી એમ કે દાસે જણાવ્યું હતું કે, “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-2019માં ધોલેરા પર ફોકસ રહેશે. હેવી ઇન્ડસ્ટ્રીઝ અને ડિફેન્સ સેકટરની કેટલીક કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે, અને આ અંગે વાઇબ્રન્ટ ગુજરાતમાં જાહેરાત પણ થશે.” ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સીટી ડેવલપમેન્ટ લિમિટેડના મેનેજીંગ ડિરેકટર, જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું કે, “ધોલેરા એરપોર્ટનું ખાતમુર્હત સપ્ટેમ્બર 2018માં કરવામાં આવે તે પ્રકારે કામગીરી ચાલી રહી છે. બિઝનેસ એન્ડ એકઝિબિશન સેન્ટરનું ખાત મુર્હત ઓકટોબર 2018માં થશે.
ધોલેરામાં હાલમાં ₹2800 કરોડના બાધકામ ચાલી રહ્યા છે. હાલમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એડમીનીસ્ટ્રેટીવ એન્ડ બિઝનેસ સેન્ટરનાં કામ ચાલી રહ્યા છે. આ તમામ પ્રોજેકટના કામ ઝડપથી ચાલી રહ્યા છે અને તેમાં 50 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. આ ઇન્ફ્રાસ્ટકર પ્રોજેક્ટનું કામકાજ ડિસેમ્બર 2018 સુધીમાં પુર્ણ થશે. ધોલેરાને પ્રોજેકટ કરવા જાન્યુઆરીમાં દિલ્હી, એપ્રિલમાં પુણે અને મે મહિનામાં હૈદરાબાદમાં રોડ શો યોજાઇ ચુકયા છે. હવે બેંગ્લોરમાં પણ રોડ શો યોજાશે. આ જ રીતે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેની કામગીરીનું ખાતમુર્હત નવેમ્બર 2018માં શરૂ થશે. આ સાથે 1000 મેગાવોટનો સોલર પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પણ નવેમ્બરમાં જ શરૂ કરવાનું આયોજન છે. આઇસીટી ઇમ્પલીમેન્ટેશન નવેમ્બર 2018માં થશે, ત્યાર બાદ ડિસેલીનેશન પ્લાન્ટ પણ આ વિસ્તારમાં શરૂ કરવા ભારત સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે. તેનું કામ જાન્યુઆરી 2019માં શરૂ થશે.”