પાકિસ્તાનમાં હાલ ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે. ત્યારે પાકિસ્તાનમાં પણ અલગ અલગ રાજનૈતિક રમત રમવામાં આવી રહી છે. અત્યાર સુધી નિર્ણય નહોતી આપી રહેલી કોર્ટે ચૂંટણી આવતાની સાથે જ નવાઝ શરીફ અને તેની દીકરી મરિયમને અનુક્રમે 10 અને 7 વર્ષની સજા સંભળાવી અને ધરપકડ કરી છે. બીજી તરફ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનની પત્નીએ લખેલા પુસ્તકમાં ઇમરાન ખાન વિશે ઘણી બાબત લખવામાં આવી છે. તે પુસ્તકને પણ ચૂંટણી વખતે જ પબ્લિશ કરવામાં આવ્યુ છે. પાકિસ્તાનમાં રાજનીતિએ નવા નવા ખેલ જાણે શરૂ કર્યા હોય તેમ લાગી રહ્યું છે.
નવાઝ શરીફ અને મરિયમને રાવલપિંડીની આદિયાલા જેલમાં રાખવામાં આવ્યા છે. ધરપકડ બાદ નવાઝ અને મરિયમ શું કરશે તેના પર પાકિસ્તાનના આવામની નજરો ગડાયેલી છે. પાકિસ્તાની નિયમ પ્રમાણે જેના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ હોય અને તે સરેન્ડર ના કરે તો તે હાઇકોર્ટમાં અપીલ ના કરી શકે. નવાઝ શરીફ અને તેની દીકરી મરિયમે તો સરેન્ડર કરી દીધુ છે જેથી તે હવે હાઇકોર્ટમાં અપીલ કરી શકશે.
રાષ્ટ્રીય જવાબદેહી બ્યૂરોની ધારા 32 હેઠળ બંને હાઇકોર્ટમાં અપીલ કરી શકશે. તમને જણાવી દઇએ કે પાકિસ્તાનમાં 25 જુલાઇના દિવસે ચૂંટણી છે. ત્યારે પાકિસ્તાની આવામ તેમના દેશ માટે યોગ્ય નેતા ચૂંટશે.