મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪ જુલાઈએ અમદાવાદમાં ૧૪૧મી ઐતિહાસિક રથયાત્રા યોજાય તે પૂર્વે સી.એમ. ડેશ બોર્ડ દ્વારા અમદાવાદની પરિસ્થિતિનું રિયલ ટાઇમ આધારિત મોનિટરિંગ કરીને પરિસ્થિતિનો તાગ મેળવીને સતર્કતાનું દૃષ્ટાંત આપ્યું હતું.
અમદાવાદમાં શનિવારે યોજાનારી રથયાત્રા અમદાવાદના જે વિસ્તારોમાંથી પસાર થવાની છે તે સહિતના વિસ્તારોના મુખ્યમંત્રીએ હાથ ધરેલા રિયલ ટાઇમ આધારિત મોનિટરિંગ દરમિયાન તેમણે ઉપસ્થિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી તથા સતર્કતા સંબંધિત ઉપયોગી સૂચનો કર્યાં હતાં.
અમદાવાદમાં વિભિન્ન સ્થળે સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યાં છે. આ કેમેરાના લાઇવ ફીડ્સ મુખ્યમંત્રી નિવાસસ્થાને રહેલા સી.એમ. ડેશ બોર્ડ ઉપર જોઇને મુખ્યમંત્રીએ શહેરની પરિસ્થિતિનું હાઇ-ટેક નિરીક્ષણ-મૂલ્યાંકન કર્યું હતું.
અત્રે એ નોંધનીય છે કે સી.એમ. ડેશ બોર્ડની સર્વેલન્સ સિસ્ટમ દ્વારા રિયલ ટાઇમ મોનિટરીંગથી સમગ્ર રાજ્યમાં કયાં સ્થળે કઇ સ્થિતિ છે તે મુખ્યમંત્રી સ્તરે જાણી શકાય છે.
મુખ્યમંત્રીએ આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને ડેશ બોર્ડના માધ્યમથી હાથ ધરેલા ટેક્નોલોજી આધારિત મોનિટરિંગમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહવિભાગના અધિક મુખ્યસચિવ એમ એસ ડાગુર, અગ્ર સચિવ મનોજ અગ્રવાલ, પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતાં.