કેરળ સ્થિત એનબીએફસી મણપ્પુરમ ફાઈનાન્સ લિ.એ એક જાહેરાત કરતાં હૈદરાબાદ સ્થિત એનબીએફસી ઈન્ડિયન સ્કૂલ ફાઈનાન્સ કંપની પ્રા. લિ. (આઈએસએફસી) ખરીદવા તૈયારી દર્શાવી છે. આઈએસએફસી અફોર્ડેબલ ખાનગી સ્કૂલો, વોકેશનલ કોલેજીસ, કોચિંગ સેન્ટર્સ વગેરેને લોન્સ સાથે શૈક્ષણિક ક્ષેત્રમાં ધિરાણ કરે છે.
વલાપડ (થ્રિસૂર જિલ્લા)માં ૨જી જુલાઈ, ૨૦૧૮ના રોજ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક બેઠક બાદ આ જાહેરાત કરાઈ હતી. કંપની આઈએસએફસીના વર્તમાન નાણાકીય રોકાણકાર ગ્રે મેટર્સ કેપિટલ એન્ડ કાસ્પિન પાસેથી સેકન્ડરી ખરીદીના માર્ગે ૮૫.૩૯ ટકા હિસ્સો ખરીદવા માટે એનબીએફસી અને તેના હિસ્સેદારો સાથે કરાર કરવા માટે પણ તૈયાર છે.
આઈએસએફસી ૩૧મી માર્ચ, ૨૦૧૮ સુધીમાં રૂ.૫૨૨.૫૯ કરોડની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) અને રૂ. ૯૦ કરોડનું શેરહોલ્ડર ફંડ્સ (ફરજિયાત કન્વર્ટીબલ સાધનો સહિત) ધરાવે છે. આઈએસએફસી તેની સ્થાપના સમયથી અંદાજે ૪૫૦૦થી વધુ સંસ્થાઓ મારફત ૨૬ લાખથી વધુ વિદ્યાર્થીઓને સેવા પૂરી પાડે છે. કંપની ૩૦૦થી વધુ કર્મચારીઓના બેઝ સાથે હબ એન્ડ સ્પોક મોડેલ મારફત સમગ્ર ભારતના ૧૫ રાજ્યોમાં ૧૧૬ સ્થળો પર ફેલાયેલી છે. નીરજ શર્મા (એમડી અને સીઈઓ)ના નેતૃત્વ હેઠળ આઈએસએફસી શૈક્ષણિક સંસ્થાઓની ઈકોસિસ્ટમને ધિરાણ માટે એક મજબૂત અન્ડરરાઈટિંગ અને રીસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ તરીકે વિકસી છે.
મીડિયાને એક નિવેદનમાં મણપ્પુરમ ફાઈનાન્સ લિ.ના એમડી અને સીઈઓ વી. પી. નંદકુમારે જણાવ્યું હતું કે, ‘’એક ખૂબ જ સારી કંપની તરીકે અમારું માનવું છે કે આઈએસએફસીનો કારોબાર સ્કેલેબલ અને નફાકારક બંને છે. અમારું માનવું છે કે આ હસ્તાંતરણથી મણપ્પુરમ ફાઈનાન્સ વધુ ઝડપથી વિકાસ કરવા સક્ષમ બનશે અને અમને ડાયવર્સિફિકેશનમાં પણ મદદ મળશે.’’
આ સોદો નિયમનકારી મંજૂરીઓ સહિત દસ્તાવેજો અને કસ્ટમરી ક્લોઝિંગ શરતોની સંતોષજનક પૂર્ણતાને આધિન છે. આ સોદા માટે અર્ન્સ્ટ એન્ડ યંગ એલએલપી વિશેષ નાણાકીય સલાહકાર અને સિરિલ અમરચંદ મંગળદાસ કાયદાકીય સલાહકાર તરીકે કામ કરશે.