મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં જાપાન એકસટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ‘જેટ્રો’ના બિઝનેસ સપોર્ટ સેન્ટરનું ઉદઘાટન કરતાં ર૦ર૦ સુધીમાં ગુજરાતમાં ૩ બિલીયન યુ.એસ.ડોલર્સના રોકાણો જાપાનીઝ ઊદ્યોગો આવે તેવું વાતાવરણ નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ર૦૦૩થી વાયબ્રન્ટ સમિટની સફળતામાં પાર્ટનર કન્ટ્રી તરીકે સહયોગી રહેલા જાપાનના વધુ ને વધુ ઊદ્યોગકારો-કંપનીઓ ગુજરાતમાં સરળતાએ રોકાણ કરી શકે તે હેતુસર આ ફૂલ ફલેઝડ બિઝનેસ સપોર્ટ સેન્ટર રાઇટ ટાઇમ ફોર રાઇટ ચોઇસ છે.
મુખ્યમંત્રીએ ‘જેટ્રો’ના ચેરમેન હીરોયુકી ઇશીગે અને જાપાનના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ રયોજી નોડા તેમજ ઊદ્યોગ અગ્ર સચિવ મનોજકુમાર દાસ અને જાપાનીઝ ઊદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિમાં ભારતના સૌથી મોટા આ ‘જેટ્રો’ બિઝનેસ સપોર્ટ સેન્ટરને ખૂલ્લુ મૂકયુ હતું. આ પ્રસંગે જાપાનની ૧પ જેટલી કંપનીઓએ ગુજરાત સાથે ‘ઇન્ટરેસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ’ના MoU કર્યા હતા.
મુખ્યમંત્રીએ ગુજરાત ભારતના વિકાસનું રોલ મોડેલ બન્યુ છે તેની ભૂમિકા જાપાનીઝ ઊદ્યોગકારો સમક્ષ આપતાં જણાવ્યું કે, ભારતના GDPમાં ગુજરાત ૮ ટકા યોગદાન આપે છે અને કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા તેમજ એકસપોર્ટમાં ર૦ ટકા ફાળો ગુજરાતનો રહેલો છે. વિદેશી મૂડીરોકાણો મેળવવામાં ભારતના ટોપ-૩ રાજ્યોમાં ગુજરાત એક છે.
મુંબઇ સ્થિત જાપાન કોન્સ્યુલ જનરલ શ્રી રયોજી નોડાએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જાપાન સાથે મૈત્રી કેળવવાના પ્રયાસોના ભાગ રૂપે આ જેટ્રો બિઝનેશ સેન્ટર કાર્યરત થયું છે તેનાથી જાપાની ઉદ્યોગકારો-કંપનીઓની સહુલિયત વધશે. ગુજરાત આજે શ્રેષ્ઠ રોકાણ ડેસ્ટીનેશન બન્યું છે ત્યારે જાપાનીઝ કંપનીઓએ પણ ગુજરાતમાં રોકાણ વધાર્યુ છે અને તેના પગલે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને સાથે સાથે ભારત-જાપાનના ઉષ્માપુર્ણ સંબંધોને પણ વેગ મળશે એમ તેમણે ઉમેર્યુ હતું.
રાજ્યમાં મેટ્રો અને હાઇસ્પીડ ટ્રેન પ્રોજેકટમાં જાપાની ટેકનોલોજીનો ઉપયોગ થવાનો છે ત્યારે ભારત-જાપાનના સંબંધો પણ એક નવી ઉંચાઇ પ્રસ્થાપિત થશે. ભારતની વસ્તી ઝડપથી વધી રહી છે, ઔદ્યોગિક વિકાસ પણ વધી રહ્યો છે ત્યારે ‘જેટ્રો’ બિઝનેશ સપોર્ટ સેન્ટર સાચા અર્થમાં પરિણામલક્ષી બનશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
ગુજરાત-જાપાન વચ્ચેના આ સહયોગને પ્રોત્સાહન આપવા બેય વચ્ચેના પોલિસી ડાયલોગ ફ્રેમ વર્કને મહત્વપૂર્ણ ગણાવતાં કહ્યું કે ગુજરાતે હાઇબ્રીડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, જાપાન-ઇન્ડીયા ઇન્સ્ટીટયૂટ ફોર મેન્યૂફેકચરીંગની સ્થાપના તેમજ ખોરજ પાસે ૧૭પ૦ એકરમાં ઇન્ડો જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ તથા ઓટો વેલ્યુ ચેઇનના રાજ્યમાં સર્જન માટે અમદાવાદના ભગાપૂરામાં રોકાણ કરવા ઇચ્છુક કંપનીઓને જમીન પણ ફાળવી છે.