અધમ ઉદ્ધારક શ્રી સ્વામિનારાયણ ભગવાન
જોબન પગી નામે ચોર લૂંટારાઓનો એક સરદાર હતો.
એનું નામ પડતાં પોલીસ પણ બીએ !
ચીભડું ચીરવું ને માણસ મારવો બેઉ એને મન સરખાં.
એણે સાંભળ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે એક ફક્કડ ઘોડી છે. માણકી ઘોડી એનું નામ!
મનોમન એણે નક્કી કર્યું કે હું એ ઘોડી ચોરી જાઉં !
શ્રી સ્વામિનારાયણ ભગવાન તે વખતે ડભાણમાં યજ્ઞ કરાવતા હતા.
જોબન પગી ચોરી છૂપીથી રાતે ઘોડી ચોરવા ગયો, પણ જુએ તો ભગવાન ઘોડીની પાસે ઊભા હતા, ને ઘોડી પર હાથ ફેરવતા હતા.
એ પાછો ફરી ગયો. વળી, કલાક-બે કલાક રહીને ગયો.
જોયું તો ભગવાન ઘોડીને ખરેરો કરતા હતા.
આમ, જેટલીવાર એ ઘોડી ચોરવા ગયો એટલી વાર ભગવાન ઘોડીની પાસે ને પાસે દેખાયા !
જોબન કહે : ‘કાલે વાત !’ બીજી રાત્રે જોબન ફરીને ઘોડી ચોરવા ગયો.
તો આજે પણ ઘોડીની પાસે શ્રી સ્વામિનારાયણ ભગવાન ઊભેલા. આખી રાત આમ વીતી ગઈ.
ત્રીજી રાત પણ એમ જ વીતી !
જોબનને થયું કે ભગવાન કદી ઊંઘતા જ નહિ હોય કે શું ? કે પછી લોકો વાતો કરે છે એવા એ જાદુગર છે ? જાદુગર હોય તો મારે એમની પરીક્ષા કરવી.
આમ વિચાર કરી એણે મનથી નક્કી કર્યું કે ભગવાન મને જોતાંમાં ઓળખી કાઢી મારું નામ દઈ મને બોલાવે, હું અહીં કેમ આવ્યો છું તે કહી આપે અને મને પોતાની ડોકમાંથી કાઢીને માળા આપે તો હું સમજું કે એ ખરા સમર્થ છે !
બીજા દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાન હરિભક્તોની સભામાં બિરાજમાન હતા. ત્યાં જોબન પગી એમના સામે જઈ ઊભો. તરત જ ભગવાને કહ્યું : ‘આવો જોબન પગી ! આંખો આવી લાલઘુમ કેમ છે ? ત્રણ રાતના રાતના ઉજાગરા છે એટલે ? માણકી ન લેવાઈ, ને બીજા ઘોડાય ન લેવાયા ?’
જોબનનું નામ સાંભળી સભામાં બેઠેલા કાઠી દરબારોએ તલવારો પર હાથ દીધા. ભગવાને હસીને કહ્યું : ‘જોબન પગી અત્યારે લૂંટફાટ કરવા નથી આવ્યા, સત્સંગી થવા આવ્યા છે.’
પછી ભગવાને પોતાના ગળામાંથી ગુલાબની માળા ઉતારી જોબન પગીને આપી !
જોબન પગીને ત્રણે વાતનો જવાબ મળી ગયો. જોબને પાઘડું ઉતારી મહારાજના પગમાં મૂક્યું : ‘ભગવાન, હવે આપ ધણી, હું ચાકર !’
લૂંટારો જોબન પગી જોબન ભગત બની ગયો. જેના માથા સાટે ઈનામો નીકળ્યાં હતાં તે જોબન પગીએ હાથમાં માળા પકડી!
શ્રી સ્વામિનારાયણ ભગવાનના આ અજબ ચમત્કારની વાત સાંભળી વડોદરાના મહારાજા એવા ખુશ થયા કે તેમણે જોબન પગીને વર્ષાસન બાંધી આપ્યું.
એકવાર જોબન પગી વર્ષાસન લેવા પેટલાદની કચેરીમાં ગયા હતા. ત્યાં કારકૂને જોબન ભગતને મજાકમાં કહ્યું : ‘ભગત, શું તમારા સ્વામિનારાયણ ગધેડાની ગાય કરી શકે છે ?’
જોબન ભગત જરાય ઉશ્કેરાયા નહીં.
તેમણે શાંતિથી કહ્યું : ‘કરે જ છે તો ! મારા જેવા ચોર – લૂંટારાના હાથમાં માળા પકડાવી એ ગધેડાને ગાય કરી કે બીજું કંઈ? આથી મોટો કયો ચમત્કાર તમારે જોવો છે ?’
કારકૂને કાનની બૂટ પકડી.
આવા છે અધમ ઉદ્ધારક છે શ્રી સ્વામિનારાયણ ભગવાન !
એમના સ્પર્શથી ગધેડા જેવા માણસો ગાય જેવા સજ્જન બની જતા.
- શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી