માનસરોવર યાત્રા કરીને પાછા વળી રહેલા શ્રદ્ધાળુઓ નેપાળના નેપાળગંજ અને સિમિકોટમાં ખરાબ વાતાવરણને કારણે ફસાઇ ગયા છે. આ યાત્રીઓને ત્યાંથી બહાર લાવવાના પ્રયત્નો શરૂ થઇ ગયા છે. તેની સાથે ચિકિત્સા અને ખાવા પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ભારતના વિદેશ મંત્રાલય દ્વારા મદદ મોકલી દેવામાં આવી છે. આ યાત્રામાં ઘણા વૃદ્ધ લોકો પણ છે. તેમના સ્વાસ્થ માટે ડોક્ટરની ટીમ ત્યાં મોકલી દેવામાં આવી છે. વાતાવરણ ખૂબ ખરાબ હોવાથી યાત્રાળુ ત્યાંથી બહાર નીકળી શકે તેમ નથી. તેમને ત્યાંથી બહાર લાવવા માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
સ્થાનીક એરક્રાફ્ટ અને એરલાઇન્સને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યુ છે. વાતાવરણ સારુ થતા જ તેમને નેપાળથી ભારત લાવવામાં આવશે. જે લોકો બીમાર છે તેમને હેલીકોપ્ટરની મદદથી પાછા લાવવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પોતાના પ્રદેશના કેટલા લોકો અહી ફસાયા છે તેની જાણકારી લીધી હતી. ભારત સરકાર દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે ફસાયેલા યાત્રી જલ્દી જ પરત ફરે.