સાયબર ક્રાઇમના વધતા જતા વ્યાપને નાથવા ગુજરાતે આ વર્ષે રાજ્યમાં ચાર સાયબર સેલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે તેમાં પણ ઇઝરાયલની આ વિશ્વકક્ષાની શ્રેષ્ઠ સાયબર ક્રાઇમ ડિટેક્શન-પ્રિવેન્શન-ફોરેન્સિક્સ સ્ટેટ ઓફ ધ આર્ટ ક્ષમતાઓનો ઉપયોગ કરાશે. આ અભિનવ શરૂઆતથી જ ઇઝરાયલ જેવા રાષ્ટ્રની આવી ક્ષમતાઓના વિનિયોગથી ગુજરાત દેશમાં સાયબર ક્રાઇમના પડકારોને સફળતાપૂર્વક પાર પાડવામાં માર્ગદર્શક બનશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વના ગુજરાત ડેલિગેશનના ઇઝરાયલ પ્રવાસના ત્રીજા દિવસે તેમણે ઇઝરાયેલે સાયબર ક્રાઇમ ડિટેકશન, પ્રિવેન્શન અને ગુન્હા શોધનના ક્ષેત્રે વિકસાવેલી સ્ટેટ ઓફ ધ આર્ટ ક્ષમતાઓના ક્ષેત્રના તજજ્ઞ સંચાલકો સાથે બેઠક યોજી હતી અને પ્રેઝન્ટેશન અને ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું.
મુખ્યમંત્રીએ ઇઝરાયલ દ્વારા સાયબર ક્રાઇમને નાથવા વિકસાવાયેલી આ ક્ષમતાઓનો વ્યાપક વિનિયોગ ગુજરાતના સાયબર ક્રાઇમ યુનિટસમાં કરીને પ્રવર્તમાન વિશ્વમાં સાયબર ક્રાઇમના પડકારોને પહોચી વળવાની સજ્જતા કેળવવાની દિશામાં પણ વિચાર-વિમર્શ કર્યો હતો.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે ગુજરાતે ભારત તેમજ વિશ્વની વિવિધ સિકયુરીટી અને ઇન્વેસ્ટીગેટીવ એજન્સીસને સાયબર ક્રાઇમ સહિતની ગુનાખોરી સામે સ્કીલ્ડ તાલીમબદ્ધ મેન પાવર ઉપલબ્ધ કરાવવાના હેતુથી નવતર પહેલ રૂપે વિશ્વની પ્રથમ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી-ગુજરાત ફોરેન્સીકસ સાયન્સીસ યુનિવર્સિટી ગાંધીનગરમાં શરૂ કરી છે.