ભારતમાં કાર ખરીદવાનું લગભગ દરેક વ્યક્તિનું સપનું હોય છે અને જેની પાસે સવલત છે તેઓ ઘરના સભ્યદીઠ એક એક કાર ખરીદતા હોય છે. છેલ્લા 5 થી 10 વર્ષોમાં ગાડીના વેચાણમાં અસામાન્ય વધારો થયો છે અને સામે ટ્રાફિક જેવી સમસ્યા વધુ વકરી છે તો બીજી તરફ તેના પાર્કિંગની સમસ્યા પણ એટલી હદે વકરી છે કે બેંગ્લોર ટ્રાન્સપોર્ટ વિભાગે એક નવો નિયમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જો આ નિયમ બન્યો તો લોકોનું ગાડી ખરીદવાનું સ્વપન પુરૂ ના પણ થાય તેવી શક્યતાઓ છે. તે નિયમ મુજબ જેઓની પાસે પાર્કિંગ માટે અલાયદી સુવિધા કે જગા નથી તેઓ ગાડી નહી ખરીદી શકે.
આ અંગે વાત કરતા વાહન વ્યવહાર મંત્રી ડીસી થમન્નાએ જણાવ્યું કે, આવો નિર્ણય લેતા પહેલા ટ્રાન્સપોર્ટ વિભાગ લોકોને કાર પૂલિંગ માટે અપીલ કરશે અને એક અભિયાન ચલાવશે. જેમાં લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરવા માટે કહેવામાં આવશે. થમન્નાએ કહ્યું કે, બેંગ્લુરૂ શહેરમાં ટ્રાફીક એક મોટી સમસ્યા છે અને તેવામાં ઘણા બધા લોકો જેમણે એક કરતા વધારે ફોર વ્હીલર ખરીદેલી છે તેઓનાં કારણે આ સમસ્યા વધારે થાય છે. જે લોકો પાસે પાર્કિંગ માટે અલાયદી જગા નથી તેઓ રસ્તા પર વાહન પાર્ક કરે છે અને તેવામાં રસ્તા પર જામની પરિસ્થિતી સર્જાય છે. આ સમસ્યા ધીરે ધીરે વધી રહી છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટ વિભાગ ડિઝલથી ચાલનારા વાહનો પર પણ પ્રતિબંધ પણ લાદી શકે છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટની સ્થિતિ સુધારવા માટે બેંગ્લુરૂનાં ટ્રાન્સપોર્ટ વિભાગની તરફથી 80 ઇલેક્ટ્રિક બસ ખરીદવાની વિચારણા કરી રહ્યું છે. જેથી પબ્લિક ટ્રાન્સ્પોર્ટને વેગ મળે.