પહેલી મેચમાં ડ્રો થયેલી આર્જેન્ટિનાની ટીમ બીજી મેચમાં ક્રોએશિયા સામે ખરાબ રીતે હારી ગઇ છે. ગુરુવારે રમાયેલી આ મેચમાં આર્જેન્ટિના 3-0થી હારી ગઇ હતી. સતત બીજી મેચ જીતનારી ટીમ ક્રોએશિયા ટોપ 16માં પોતાનુ સ્થાન બનાવી ચૂકી છે. આર્જેન્ટિનાની હાર બાદ મેસ્સીના સન્યાસની ચર્ચાએ જોર પકડ્યુ છે.
આ વર્લ્ડકપમાં આર્જેન્ટિનાના કપ્તાન અને ટોપ ફૂટબોલર લિયોનલ મેસ્સીનો કોઇ જ જાદુ ચાલી શક્યો નથી. આઇસલેંડ વિરુદ્ધની મેચમાં પણ મેસ્સીએ માંડ માંડ ટીમને બચાવી હતી. ક્રોએશિયા સામે મેસ્સી કે તેની ટીમનો જાદુ ચાલ્યો નહી. ક્રોએશિયાની ટીમે આર્જેન્ટિનાને નોક આઉટ કર્યુ હતું.
વર્લ્ડકપ શરૂ થયો તે પહેલા દરેકની નજર આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનલ મેસ્સી તથા પોર્ટુગલના કેપ્ટન રોનાલ્ડો પર હતી. આ બંને મોટા ગજાના ફૂટબોલર છે. બંનેની ટીમ કેવી રીતે પ્રદર્શન કરે છે તે જોવા માટે આખા વિશ્વની નજર બંને ખેલાડીઓ પર હતી. રોનાલ્ડોએ તો પોતાની ટીમની ઇજ્જત બચાવી લીધી, પરંતુ લાગે છે કે મેસ્સીને વર્લ્ડકપમાંથી બહાર જવું પડશે.