પનામા પેપર ફરી એક વાર ચર્ચામાં આવી ગયા છે. બે વર્ષ પહેલા પનામાના લો ફર્મ મોસ્સાક ફોન્સેકાના અમુક લીક પેપરમાં દુનિયાના પ્રમુખ લોકોના નામ આવ્યા હતા. જેમાં ભારતીયોના નામ પણ સામેલ હતા. હવે ફરી એક વાર કરચોરી કરનારા ભારતીયોના નામ પનામા પેપરમાં સામે આવ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર ઇંટરનેશનલ કંસોર્શિયમ ઓફ ઇન્વેસ્ટિગેટીવ જર્નાલિસ્ટે 12 લાખથી વધારે નવા દસ્તાવેજોને તપાસ્યા હતા. જેમાં ઓછામાં ઓછા 12000 દસ્તાવેજ ભારતીયોના નામના હતા. બે વર્ષ પહેલા 500 ભારતીય લોકોના નામ પનામા પેપરમાં આવ્યા હતા.
નવા પનામા પેપરમાં પીવીઆર સિનેમાના માલિક અજય બિજલી અને તેમના પરિવારના સદસ્યો હાઇક મેસેન્જરના સીઇઓ, સુનિલ મિત્તલના દિકરા કવીન મિત્તલ, એશિયન પેઇંટ્સના સીઇઓ અશ્વીન દાનીના દિકરા જલજ દાની પણ સામેલ છે.
બે વર્ષ પહેલા અમિતાભ બચ્ચન, શિવ વિક્રમ ખેમકા, કેપી સિંહ, અનુરાગ કેજરીવાલ, નવીન મેહરા, જહાંગીર સોરાબજી વગેરેના નામ સામેલ હતા. અમિતાભ બચ્ચનની ત્રણ કંપનીના નામ કરચોરીમાં આવ્યા હતા. અમિતાભ બચ્ચનનું નામ સામે આવતા આખા દેશમાં આ વાત વિષે ચર્ચા થઇ રહી હતી. હવે ફરી એકવાર ભારતીય લોકોના નામ સામે આવ્યા છે, ત્યારે હવે તે પોતાના બચાવમાં શું કહે છે તે જોવું રહ્યું.