ઉત્તરપ્રદેશના લખનૌ શહેરમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં હિન્દુ મુસ્લિમ કપલને ધર્મ પરિવર્તન કરવા માટે કહેવામાં આવતા પાસપોર્ટ ઓફિસરની ટ્રાંસફર કરી દેવામાં આવી હતી. એક કપલ મોહમ્મદ અનસ સિદ્દીકી અને તન્વી શેઠે લગ્ન કર્યા બાદ પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ બનાવડાવવા માટેની અરજી કરી હતી. ત્યાં રહેલા એક ઓફિસરે તન્વીને નામ બદલવા માટે કહ્યું હતું. અને સિદ્દીકને ધર્મ બદલવા માટે કહ્યું હતું. આ બાબતની તન્વીએ ફરિયાદ કરી હતી. ફરિયાદ કર્યાના એક દિવસમાં જ તે ઓફિસરની બદલી કરી દેવામાં આવી હતી.
આ કપલે સુષ્મા સ્વરાજને ટ્વિટ કરી હતી અને જણાવ્યુ હતું કે તે ઓફિસરે તેમની સાથે અપમાનજનક વ્યવહાર કર્યો હતો. તેમને નીચાજોણુ થાય તેવી રીતે વાત કરી હતી. આ કપલની એક 6 વર્ષની બાળકી પણ છે. તન્વીએ કહ્યું હતુ કે નામ અને ધર્મ બદલવો તે તેમની અંગત બાબત છે. તેમાં પાસપોર્ટ અધિકારી શા માટે દખલ કરે. કપલે 19 જૂનના રોજ પાસપોર્ટ માટે અરજી કરી હતી. બાદમાં જ્યારે તે ઇન્ટરવ્યૂ માટે ગયા ત્યાં કાઉન્ટર સી ઉપર વિકાસ મિશ્રા નામના અધિકારીએ તન્વીને કહ્યું કે તેણે એક મુસ્લિમ સાથે લગ્ન નહોતા કરવા જોઇતા.
આ બાબત એટલી વણસી ગઇ કે તેણે કપલ સાથે અપમાનજનક વર્તન કર્યું. બાદમાં જ્યારે તન્વીએ ટ્વિટ કરી ત્યારે એક દિવસની અંદર તે અધિકારીની બદલી કરી દેવામાં આવી હતી.