વરૂણ ખૂબ જ ડાહ્યો અને શાંત છોકરો. કોલેજમાં બધી છોકરીઓ તેને જેન્ટલમેન કહીને બોલાવે. ક્યારેય ગુસ્સે નહીં થવાનું અને ક્યારેય કોઈને સામે નહીં બોલવાનું…ઝઘડો શબ્દ તો તેની ડિક્શનરીમાં જ નહોતો. ભણવામાં હોશિયાર અને શાંત બેસીને કવિતાઓ લખતો વરૃણ દરેક ટીચરનો પણ ફેવરરેટ સ્ટુડન્ટ. આમ જોવા જઈએ તો બધા જ તેના ફ્રેન્ડસ પણ તેનો પાક્કો ભાઈબંધ કહી શકાય તેવો કોઈ જ ગોઠીયો નહીં. વરૂણને પોતાની જ કંપની ફાવી ગઈ હતી. કોલેજની ઘણી છોકરીઓએ વરૂણને પ્રપોઝ કર્યુ પરંતુ વરૂણને કોઈ દિવસ તેમાં રસ ન લીધો.
એક દિવસ કોલેજમાં ભક્તિ નામની છોકરી આવી. ખૂબ સુંદર, ટેલેન્ટેડ અને તોફાની. આમ જોવા જાવ તો વરૂણથી સાવ વિપરિત. તેમ છતાં વરૂણ સાથે તેની દોસ્તી થવા લાગી. તોફાની, બિન્દાસ નેચરવાળી ભક્તિને ડાહ્યો ડમરો વરૂણ ગમવા લાગ્યો. ભક્તિનાં જીવનમાં પ્રેમ શબ્દ ખાસ એવો મોટો નહીં પણ વરૂણનાં આવવાથી આ શબ્દની ગહેરાઈ સમજાઈ. વરૂણનાં પુસ્તકીયા જીવનમાં પહેલીવાર કવિતાની કલ્પના જેવી છોકરી આવી હતી…જેનાં પર પ્રેમનો મુશળધાર વરસાદ લાવી શકાય. કોલેજ પૂરી થઈ પણ તેમની વચ્ચેની લાગણીઓ અકબંધ રહી. જોતજોતામાં વર્ષભરમાં બંનેની સગાઈ પણ થઈ ગઈ. હવે તો તેઓ જગજાહેર તેમનાં ફોટા સોશિયલ મીડિયા પર મૂકવા લાગ્યા અને જાહેરમાં પ્રેમનો એકરાર કરવા લાગ્યા. કોઈ પણ પાર્ટી- ફન્કશનમાં જુઓ તો હાથમાં હાથ નાખેલા બંને સાથે જ જોવા મળે. એક દિવસ અચાનક ભક્તિએ સોશિયલ મીડિયા પર જાહેર કર્યુ કે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે અને હવે તે જીવનમાં આગળ વધવા માંગે છે.
કોઈને કંઈ સમજાયુ જ નહીં કે અચાનક શું થયું. વરૂણ જેવા આટલા સારા અને જેન્ટલમેન છોકરાનું બ્રેકઅપ કેવી રીતે થઈ શકે…તેની મેચ્યોરીટી એટલી હતી કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ રસ્તો કાઢી શકે. બ્રેકઅપ જેવું ડિસિઝન….લોકો ભક્તિને કોસવા લાગ્યા. તેમને થયું કે વરૂણ તો ડાહ્યો છે…નક્કી કંઈ ભક્તિનો જ વાંક હશે….ચાલો જોઈએ શું થયું….
કોઈ પણ રીલેશનશીપનો પહેલો નિયમ એ છે કે દરેકને પોતાના અંગત સ્વભાવ સાથે સ્વિકારો. વરૂણની દ્રષ્ટિએ ભક્તિ મિત્ર તરીકે ખૂબ સરસ હતી, પરંતુ જો તે પત્ની બને તો એના ઘરમાં બીજાને લાઉડ લાગશે તેવું વિચારી તેને ટોકવાનું ચાલુ કરી દીધુ..કે બધાની સાથે વધુ વાત ન કર, બહુ હસી મજાક નહીં કરવાનું, અન્યની સામે થોડુ ચૂપ રહેવાનું…વગેરે વગેરે…ધીમે ધીમે તે ભક્તિને એવી ઢબે ઢાળવા લાગ્યો જેવુ તેના ઘરનું કલ્ચર હતુ. ભક્તિને પોતાની ફ્રિડમ છીનવાતી લાગી. તેને થયુ કે હજી તો સગાઈ જ થઈ છે અને વરૂણમાં આટલો બધો ચેન્જ આવી ગયો તો લગ્ન પછી શું થશે…! દુનિયાની નજરે સારો લાગતો વરૂણ ભક્તિ પર વાતે વાતે ચીડાઈ જવા લાગ્યો. તે ભક્તિને લઈને પઝેસિવ થવા લાગ્યો. ભક્તિ ઓનલાઈન હોય અને તેની સાથે વાત ન કરે તો ખીજાઈ જાય. વરૂણ અને તેનું ફેમિલી ભક્તિ પર એક પછી એક જવાબદારી થોપવા લાગ્યા કે મેરેજ પછી તારે આમ તો કરવુ જ પડશે અને આમ તો રહેવુ જ પડશે. અમારા ઘરમાં આમ જ ચાલે છે અને આ તો નહીં જ ચાલે….ફેમિલીની આવી રોજે રોજ વધતી કન્ડીશન્સને લઈને વરૂણ પણ ભક્તિને સમજવાને બદલે તેની ફેમિલી સાઈડ રહ્યો. હવે ડાહ્યો ડમરો જેન્ટલમેન પ્રેમી વરૂણ એક અડીયલ અને જડતા વાળો પતિ બનવાની કોશિશ કરી રહ્યો હતો…તેથી સમયસર ભક્તિએ આ નિર્ણય લીધો.
આપણી આસપાસ પણ આવા ઘણાં જેન્ટલમેન, સંસ્કારી અને સુશિલ પાત્રો હોય છે, જે દુનિયાની નજરમાં તો ખૂબ જ સારી ચોઈસ છે પણ લગ્ન જેવા મોટા નિર્ણય દુનિયાની નજરે નથી ચાલતા…દુનિયાનાં સર્ટિફીકેટથી નથી ચાલતા…વિચાર કરી જો જો…