રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજી તથા મોબાઇલ ગવર્નન્સની પહેલ કરી ગુજરાતે ડિજિટલ ક્ષેત્રે અનેક નવા આયામો અમલી બનાવાયા છે. ગુજરાત પોલીસને ટેકનો સેવી બનાવીને ગુન્હા સંશોધન માટે ઝડપ આવે તે આશયથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત ‘મોબાઇલ પૉકેટ કૉમ એપ્લિકેશન’ કાર્યરત કરાઇ છે. રાજ્ય સરકારનો આ નવતર અભિગમ રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયો અને તેને ‘ફિક્કી સ્માર્ટ પોલીસીંગ એવોર્ડ-૨૦૧૮’ એનાયત થયો છે.
મોબાઇલ પૉકેપ એપ્લિકેશનના એવોર્ડ માટે દેશભરમાંથી ૨૦૦ જેટલા નોમિનેશન આવ્યા હતા. જે પૈકી ગુજરાતની પસંદગી કરાઇ છે. આ એવોર્ડ નવી દિલ્હી ખાતે યોજાયેલ કોન્ફરન્સમાં સ્ટેટેટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી વિજય ગોયલના હસ્તે એનાયત થયો હતો.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસંહ જાડેજાએ કહ્યું કે, પૉકેટ કૉપ મોબાઇલ એપ્લિકેશન અંતર્ગત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની તમામ બ્રાન્ચોને આવરી લેવાઇ છે. જેમાં સી.આઇ.ડી. ક્રાઇમ, લાંચરુશ્વત વિરોધી બ્યુરો, એ.ટી.એસ. તેમજ ક્રાઇમ બ્રાન્ચને પણ સાંકળીને ગુન્હા સંશોધન અને ગુન્હાની તપાસ, પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી રાજ્યમાં સફળ રીતે થઇ રહી છે. આ પ્રોજેકટ હેઠળ પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી સંભાળતા ૪૯૦૦ પોલીસ કર્મીઓને સ્માર્ટ મોબાઇલ ફોન ડેટા કનેકટીવીટીની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.