દેશની બેંકિંગ વ્યવસ્થાની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે. દેશની જાહેર ક્ષેત્રની બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ કે બેડ લોન્સમાં સતત વધારો થઇ રહ્યો છે. જાહેર ક્ષેત્રની બેંકોની ૨૦૧૭-૧૮માં કુલ ખોટ રૃ. ૮૭,૩૫૭ કરોડ નોંધાઇ છે. આ વર્ષે જાહેર ક્ષેત્રની બેંકોમાં સૌથી વધુ નુકસાન પંજાબ નેશનલ બેંકે ભોગવવું પડયું છે, જ્યારે તેના પછી આઈડીબીઆઈ બેંકનો નંબર આવે છે. પંજાબ નેશનલ બેંકને નીરવ મોદીના રૂ. ૧૪ હજાર કરોડના કૌભાંડના કારણે ભારે ફટકો સહન કરવો પડયો છે.
આ કૌભાંડના કારણે પીએનબીએ રૂ. ૧૨,૨૮૨.૮૨ કરોડનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, જ્યારે ૨૦૧૬-૧૭માં પીએનબીની દિલ્હી શાખાએ રૂ. ૧,૩૨૪.૮ કરોડનો નફો નોંધાવ્યો હતો. પીએનબી પછી સૌથી વધુ રૃ. ૮,૨૩૭ કરોડની ખોટ આઈડીબીઆઈ બેંકે નોંધાવી છે. આઈડીબીઆઈએ ગયા વર્ષે પણ રૂ. ૫,૧૫૮.૧૪ કરોડની જંગી ખોટ નોંધાવી હતી.
બીજી તરફ ભારતની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ૨૦૧૭-૧૮માં રૃ. ૬,૫૪૭.૪૫ કરોડનું નુકસાન નોંધાવ્યું છે, જ્યારે ગયા વર્ષે એસબીઆઈએ રૂ. ૧૦,૪૮૪.૧ કરોડનો નફો નોંધાવ્યો હતો. રાજ્ય સરકારો હસ્તકની જાહેર ક્ષેત્રની કુલ ૨૧માંથી ફક્ત બે જ બેંક એવી છે, જેમણે ૨૦૧૭-૧૮માં નફો નોંધાવ્યો છે. આ બે બેંકોમાં રૂ. ૧,૨૫૮.૯૯ કરોડ સાથે ઈન્ડિયન બેંક પહેલા નંબરે છે અને બીજા નંબરે રૂ. ૭૨૭.૦૨ કરોડ સાથે વિજયા બેંક છે. આ બે સિવાયની કુલ ૧૯ બેંકની કુલ ખોટ રૂ. ૮૭,૩૫૭ કરોડે પહોંચી ગઇ છે. રસપ્રદ વાત એ છે કે, ગયા વર્ષે પણ જાહેર ક્ષેત્રની કુલ ૨૧ બેંકનો કુલ નફો ફક્ત રૃ. ૪૭૩.૭૨ કરોડ નોંધાયો હતો.
ડિસેમ્બર ૨૦૧૭માં ભારતના બેંકિંગ સેક્ટરની બેડ લોન્સનો આંકડો રૃ. ૮.૩૧ લાખ કરોડ નોંધાયો હતો. આ મુશ્કેલીનો ઉપાય કાઢવા આંતરિક બાબતોના નાણાં મંત્રી પિયુષ ગોયલે એક સમિતિની રચનાની જાહેરાત કરી છે. આ સમિતિ બેંકોની એનપીએનો પ્રશ્ન ઉકેલવા એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીની સ્થાપના કરવા બે અઠવાડિયામાં વિવિધ સૂચનો આપશે.