પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા મંત્રીમંડળને સતત અને સ્માર્ટ શહેરી વિકાસના ક્ષેત્રમાં ટેકનિકલ સહાય માટે ભારત અને ડેનમાર્ક વચ્ચે એપ્રિલ 2018માં થયેલા સમજૂતિ કરાર (MoU) અંગે માહિતી આપવામાં આવી હતી. આ સમજૂતિનો હેતુ સંબંધિત મુદ્દાઓ પર જ્ઞાનની આપલે, સંસ્થાગત સહકાર, સંશોધન અને વિકાસ, વેપારી સંબંધોમાં પરસ્પર આદાન-પ્રદાનના માધ્યમથી સતત અને સ્માર્ટ શહેરી વિકાસના ક્ષેત્રમાં સહકાર માટેના દ્વિપક્ષીય સહકારને વેગ આપવાનો છે.
સહકારના ક્ષેત્રોમાં સ્માર્ટ શહેરીકરણ સમાધાન, અનુરૂપ જીવનશૈલી, સતત અને વિસ્તૃત શહેરી વ્યવસ્થાપન, પુનર્વિકાસ અને જમીનનો સદુપયોગ, ઘન કચરા વ્યવસ્થાપન, વેસ્ટ એનર્જી, ટકાઉ પરિવહન પ્રણાલી, જળ અને સ્વચ્છતા વ્યવસ્થાપન, ઊર્જા કાર્યક્ષમતા, સંસાધનોનો સ્રોત અને અન્ય ક્ષેત્રનો સમાવેશ થાય છે જે અંગે સમજૂતિ સાધવામાં આવી હતી.
આ સમજૂતિ હેઠળ એક સંયુક્ત કાર્યકારી જૂથ (JWG)ની રચના કરવામાં આવશે જે સમજૂતિ કરાર હેઠળ એક સહકાર માટેના કાર્યક્રમના અમલીકરણ માટેની વ્યૂહરચના ઘડશે. સંયુક્ત કાર્યકારી જૂથ બંને પક્ષો દ્વારા નિયત કરાયેલા સમયગાળા મુજબ વારાફરતી ભારત અને ડેનમાર્કમાં મળશે. સમજૂતિ બંને દેશો વચ્ચેના સતત અને સ્માર્ટ શહેરી વિકાસના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકારને વેગ આપશે.
આ સમજૂતિ ઘન કચરા વ્યવસ્થાપન અને વેસ્ટ એનર્જી, ટકાઉ પરિવહન પ્રણાલી, જળ અને સ્વચ્છતા વ્યવસ્થાપન, ઊર્જા કાર્યક્ષમતા અને સંસાધન સ્રોતના ક્ષેત્રમાં રોજગારીની તકો પેદા કરશે.