અમદાવાદ : અમદાવાદ શહેરમાં પ્રખ્યાત સ્પોર્ટ્સ ઇવેન્ટ 9મી અદાણી અમદાવાદ મેરેથોન (AAM) 30 નવેમ્બર, 2025 ના રોજ યોજાશે. આ ભવ્ય ઇવેન્ટના શાનદાર આયોજનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુચારુ આયોજન અને નાગરિક એજન્સીઓ વચ્ચેના મજબૂત સંકલન અને સહકાર દ્વારા આ ઇવેન્ટ, હજારો દોડવીરોને સરળ અને સુરક્ષિત મેરેથોનનો અનુભવ કરાવશે.
અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજીત આ મેરેથોનને અમદાવાદ શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ અને આરોગ્ય વિભાગનો આવશ્યક સહકાર મળ્યો છે. 26 નવેમ્બરે, બુધવારે અહીં યોજાયેલી એક સંયુક્ત પ્રેસ બ્રીફિંગમાં, આયોજકોએ આ મેરેથોનના આયોજન અંગેની વ્યવસ્થા, રૂટ લોજિસ્ટિક્સ અને સલામતીના પગલાંની રૂપરેખા આપી હતી.
આ બ્રીફિંગમાં રેસ ડિરેક્ટર ડેવ કંડી, વર્લ્ડ એથ્લેટિક્સ કોર્સ મેઝરમેન્ટ એડમિનિસ્ટ્રેટર (એશિયા અને ઓશનિયા), નીરજ કુમાર બડગુજર (એડિશનલ કમિશનર ઓફ પોલીસ, સેક્ટર 1, અમદાવાદ) ભાવના પટેલ (ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ-ટ્રાફિક, અમદાવાદ) અને KD હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. અમીર સંઘવી હાજર હતા.

તેના 10 વર્ષના સીમાચિહ્નથી માત્ર એક જ વર્ષ દૂર, આ મેરેથોન ઈવેન્ટ તેનો વ્યાપ વધારી રહી છે. આ વર્ષની આવૃત્તિમાં લગભગ 24,000+ દોડવીરો ભાગ લેશે તેવી અપેક્ષા છે. તેના ઉચ્ચ સ્તરીય ધોરણો માટે માન્યતા પ્રાપ્ત, AAM, એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI) અને એસોસિએશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન્સ એન્ડ ડિસ્ટન્સ રેસ (AIMS) દ્વારા પ્રમાણિત છે. વર્ષ 2022 થી, તે AIMS ગ્લોબલ મેરેથોન ઇવેન્ટ લિસ્ટમાં સામેલ છે, જે વિશ્વભરમાં પ્રીમિયર ડિસ્ટન્સ-રનિંગ ઇવેન્ટ્સમાં તેનું સ્ટેટસ દર્શાવે છે.
વર્ષ 2023 માં રજૂ કરાયેલા સીનિક કોર્સની આ ત્રીજી આવૃત્તિ હશે. આ ટ્રેક અમદાવાદના સૌથી પ્રતિષ્ઠિત સ્થળો અટલ બ્રિજ, ગાંધી આશ્રમ અને એલિસ બ્રિજથી પસાર થાય થાય છે, જે એથલીટ ફ્રેન્ડલી રન પ્રદાન કરે છે.
30 નવેમ્બરે, રવિવારે આ મેરેથોનને લીલી ઝંડી આપવા માટે, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ના ડિરેક્ટર શ્રી પ્રણવ અદાણી હાજર રહેશે. તેમની સાથે, સશસ્ત્ર દળોના આદરણીય સભ્યો, ભારતીય વાયુસેનાના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ નાગેશ કપૂર, ભારતીય સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ ગૌરવ બગ્ગા અને અભિનેત્રી, લેખક અને ફિટનેસ એક્સપર્ટ મંદિરા બેદી પણ આ પ્રસંગે હાજર રહેશે.
આ ઈવેન્ટ દરમિયાન, જરૂર પડ્યે મેડિકલ સહાય ઉપલબ્ધ થઈ શકે તે માટે KD હોસ્પિટલે આધિકારિક મેડિકલ પાર્ટનર તરીકે એક વ્યાપક મેડિકલ સપોર્ટ સિસ્ટમ ડિઝાઇન કરવામાં મદદ કરી છે. સમગ્ર કોર્સમાં 21 મેડિકલ બૂથ મૂકવામાં આવશે અને હોલ્ડિંગ એરિયામાં એક ક્રિટિકલ-કેર સ્ટેશનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર રૂટ પર 108 એમ્બ્યુલન્સ વિશેષ રીતે તૈનાત રહેશે. વધુમાં, તાલીમ પામેલા સ્વયંસેવકોથી સજ્જ વિવિધ હાઇડ્રેશન સેન્ટરો, દોડ દરમિયાન રમતવીરોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે.
આ ઈવેન્ટના સંદર્ભમાં વરિષ્ઠ પોલીસ, ટ્રાફિક અને તબીબી અધિકારીઓએ તેમની તૈયારીઓ અંગે જાણકારી આપી હતી.
અમદાવાદના સેક્ટર-1ના એડિશનલ પોલીસ કમિશનર નિરજ કુમાર બડગુજરે ભીડ વ્યવસ્થાપન અને ઈમરજન્સી રિસ્પોન્સ માટે વ્યાપક યોજનાઓનીમાહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “પોલીસ અને રનિંગ(દોડ) હંમેશા એક ઊંડો સંબંધ ધરાવે છે. પરીક્ષાઓ માટેની તાલીમથી લઈને તાલીમ શિબિરો સુધી અને અત્યારે પણ, દોડ હંમેશા મહત્વપૂર્ણ રહી છે. આ મેરેથોન જેવી મોટી ઇવેન્ટનું સફળતાપૂર્વક સંચાલન કરવું આપણા માટે મહત્વપૂર્ણ છે. મેરેથોનનો રૂટ સાત સ્ટેશનોથી પસાર થશે. અદાણી અમદાવાદ મેરેથોન ખરેખર શહેરની ઓળખનો એક ભાગ બની ગઈ છે અને મને 2018 થી તેની સાથે સંકળાયેલા હોવાનો ગર્વ છે. હું આ વર્ષે વ્યક્તિગત રીતે ભાગ લેવા જઈ રહ્યો છું અને સમગ્ર પોલીસ વિભાગ મેરેથોન માટે ઉત્સાહિત છે. આ ઈવેન્ટના કાર્યક્ષમ સંકલન માટે સેંકડો પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે જેથી દરેક સહભાગી અને નાગરિક સુરક્ષિત અને સુવ્યવસ્થિત મેરેથોનનો અનુભવ કરી શકે. અમે અમારા નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.”
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) ભાવના પટેલે જણાવ્યું હતું કે, “અમે અદાણી અમદાવાદ મેરેથોનનો ભાગ બનવા માટે આતુર છીએ. આ ઈવેન્ટ તેની શરૂઆતથી જ શહેરની ઓળખ બની છે. અમારી ટીમ સ્પષ્ટ ડાયવર્ઝન, સ્વયંસેવકો અને સલાહકારો ગોઠવશે, જેથી નાગરિકો સરળ, સલામત અને યાદગાર રેસ દિવસનો આનંદ માણી શકે.”
KD હોસ્પિટલના ડૉ. અમીર સંઘવીએ જણાવ્યું હતું કે, “અમદાવાદ મેરેથોને મને ખૂબ જ પ્રભાવિત કરી છે. મેં પોતે આ રનમાં ભાગ લીધો છે. હું જાણું છું કે, તમારા શરીર અને મનને પડકારવા માટે કેટલી હિંમતની જરૂર પડે છે. આ ઇવેન્ટ ખરેખર દમદાર છે, કારણ કે તે માનવ ભાવનાને તેના શ્રેષ્ઠ પ્રદર્શનમાં રજૂ કરે છે. તે રમતવીરોને તેમની મર્યાદાઓનું સન્માન કરવાની અને તેમના શરીરને સાંભળવાની યાદ અપાવે છે. અમારી તબીબી ટીમો ટ્રેક પર તૈયાર રહેશે અને દરેકની સલામતી સુનિશ્ચિત કરશે. હું ઈચ્છું છું કે, દરેક સહભાગી પૂરી ઊર્જા, આનંદ અને ઉત્સાહ સાથે સ્પર્ધામાં જોડાય, જેમાં ડોકટરોની જરૂરત માત્ર સાઈડલાઈનથી ચિયર કરવા સુધી સીમિત રહે.”
રેસ ડિરેક્ટર ડેવ કંડીએ આ વર્ષે 24,000+ દોડવીરોને હોસ્ટ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “અદાણી અમદાવાદ મેરેથોનના રેસ ડિરેક્ટર તરીકે આ મારું ત્રીજું વર્ષ છે અને હું રવિવારે આ ઇવેન્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મદદ કરવા માટે આતુર છું. અમદાવાદ એક એવું શહેર છે, જે તેના વારસા સાથે ઊંડે સુધી જોડાયેલું છે. જ્યારે હું બોર્ડ સાથે જોડાયો, ત્યારે અમારા મુખ્ય ધ્યેય, ઈવેન્ટનું સ્ટાન્ડર્ડ વિકસિત કરવાનું હતું અને મને ગર્વ છે કે, અદાણી અમદાવાદ મેરેથોન ખરેખર વિશ્વ કક્ષાની ઇવેન્ટ છે. આ વર્ષે, મેરેથોનમાં વિવિધ શ્રેણીઓમાં ગત વખતની ઇવેન્ટ કરતા 33% વધુ 24,000 થી વધુ લોકો લેશે. આ શહેર માટે એક મહાન પ્રસંગ છે અને અમે આ કાર્યક્રમને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં આવનારા તમામ અધિકારીઓ તેમજ જનતાનો આભાર વ્યકત કરીએ છીએ.”
અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરા એ આ ઈવેન્ટ માટે શહેરની વિવિધ સંસ્થાઓ અને નાગરિકોનો તેમના સતત સપોર્ટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે મેરેથોનની થીમ, #Run4OurSoldiers પર ભાર મૂક્યો હતો, જેમાં 4,000+ સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ ભાગ લેશે, જેઓ ભારતના સંરક્ષણ દળોને સન્માન આપશે અને ઓપરેશન સિંદૂરમાં દર્શાવેલી તેમની બહાદુરીને યાદ કરશે.
તેમણે કહ્યું હતું કે, “દર વર્ષની જેમ, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક અધિકારીઓના સહયોગથી આખું શહેર સક્રિય થઈ જશે. આ દેશની એકમાત્ર મેરેથોન છે, જ્યાં સશસ્ત્ર દળોની આટલી સક્રિય ભાગીદારી છે. મેરેથોનની શરૂઆતથી જ અમારું લક્ષ્ય, ‘#Run4Soldiers’ રહ્યું છે, અને અમે છેલ્લા નવ વર્ષથી તેને પૂર્ણ કરીને ખુશ છીએ. અદાણી સ્પોર્ટ્સલાઇન ટીમ અને દરેક સહભાગી વતી, અમે સાબરમતી રિવર ફ્રન્ટ પોલીસ, ટ્રાફિક પોલીસ, અમારા મેડીકલ સ્ટાફ અને આ કાર્યક્રમને સફળ બનાવનારા તમામ લોકોનો આભારવ્યકત કરીએ છીએ.”
