ગુજરાતમાં ૯૫ ટકા રવિ વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૫.૬૧ લાખ હેક્ટરમાં વધુ વાવેતર થયું છે. જેમાં ઘઉં, મકાઈ, ચણા, અન્ય કઠોળ અને જીરામાં ૧૦૦ ટકાથી વધુ વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ૧૦.૨૭ લાખ હેક્ટર, મધ્ય ગુજરાતમાં ૭ લાખ હેક્ટર, સૌરાષ્ટ્રમાં ૯.૪૦ લાખ હેક્ટર અને દક્ષિણ ગુજરાતમાં ૧.૯૧ લાખ હેક્ટરમાં રવિ વાવેતર સપન્ન થયું છે. આમ ઉત્તર ગુજરાત રાજ્યમાં મોખરે છે.
જો કે, આ વર્ષે અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે રવિ વાવેતર એક મહિનો મોડુ થયુ છે પરંતુ તેમછતાં ખેડૂતોએ તેને સમયસર આટોપી લેવાનો પ્રયાસ કર્યો છે. રાજયમાં, રવિ પાકના વાવેતરમાં ઘઉંનું સૌથી વધુ વાવેતર ૯.૫૯ લાખ હેક્ટરમાં થયું છે. જે પણ ગત વર્ષની સરખામણીએ ૩.૧૧ લાખ હેક્ટર વધુ છે. પિયત ઘઉંનુ વાવેતર રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ૩.૨૫ લાખ હેક્ટરમાં થયું છે. જુનાગઢમાં સૌથી વધુ ૯૨૭૦૦ હેક્ટરમાં વાવેતર છે. બિન પિયત ઘઉંના વાવેતરમાં અમદાવાદનો ભાલ પંથક મોખરે છે. જેમાં ૨૨૦૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે. પાટણ જિલ્લામાં ૧૨૦૦ હેક્ટર, છોટાઉદેપુરમાં ૧૦૦ હેક્ટર, સુરેન્દ્રનગરમાં ૫૩૦૦ હેક્ટર અને ભાવનગરમાં ૨૦૦ હેક્ટરમાં બિન પિયત ઘઉંનુ વાવેતર થયું છે.
રવિ વાવેતરમાં દાહોદ જિલ્લા રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે. રાઈના વાવેતરમાં બનાસકાંઠા રાજ્યમાં મોખરે છે. જ્યાં ૧.૨૬ લાખ હેક્ટરમાં રાઈનું વાવેતર થયું છે. પાટણ, મહેસાણા અને ભરૂચ સહિત અનેક જિલ્લાઓમાં રાઈનું વાવેતર થયું છે. રાજ્યના જીરાનું કુલ ૩.૭૫ લાખ હેક્ટરમાં વાવેતર છે. દ્વારકામાં સૌથી વધુ ૯૫૪૦૦ હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે. બનાસકાંઠામાં ૭.૭૮ લાખ હેક્ટરમાં થયું છે. ગુજરાતમાં ૧.૨૫ લાખ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે. આ વર્ષે અતિવૃષ્ટિ, વાવાઝોડું અને કમોસમી વરસાદ વચ્ચે એક મહિનો મોડું રવિ વાવેતર થયું છે.