કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, હાલમાં એક 93 વર્ષના વૃદ્ધે તેમના પૌત્રીની ઉંમરની યુવતી સાથે લગ્ન કર્યા. એટલું જ નહીં, તેમણે 2024માં તેમના બાળકને જન્મ આપ્યો. ચોંકાવનારી વાત એ છે કે, બંને વચ્ચે 56 વર્ષનો એજ ગેપ છે. ચાલો જાણીએ સમગ્ર કહાણી.
ભારતીય સંસ્કૃતિમાં સામાન્ય રીતે માનવામાં આવે છે કે 60 વર્ષની ઉંમર પછી માણસે જીવનના આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવું જોઈએ. પરંતુ પશ્ચિમ દેશોમાં ઉંમર માત્ર એક આંકડો ગણાય છે. ત્યાંના લોકો વૃદ્ધાવસ્થામાં પણ ઉત્સાહભેર જીવન જીવે છે, નવી બાબતો શીખે છે અને પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહે છે.
હાલ ઓસ્ટ્રેલિયાના એક એવા જ વૃદ્ધ વ્યક્તિ ચર્ચામાં છે, જેમણે 93 વર્ષની ઉંમરે પિતા બનવાનો આનંદ માણ્યો છે. એટલું જ નહીં હવે તેઓ વધુ એક સંતાન પેદા કરવાની યોજના બનાવી રહ્યા છે. જો કે, દંપતી વચ્ચેનો એજ ગેપ સાંભળીને તમને ચોક્કસથી ઝાટકો લાગશે.
આ વ્યક્તિ છે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતા ડૉ. જૉન લેવિન તેમને દુનિયાના સૌથી વૃદ્ધ પિતા તરીકે ઓળખવામાં આવે છે. ફેબ્રુઆરી 2024માં તેમની પત્ની, 37 વર્ષીય ડૉ. યાંગયિંગ લૂએ પુત્ર ગેબીને જન્મ આપ્યો હતો. 56 વર્ષના મોટા ઉંમરનાં અંતર છતાં આ દંપતીનું બોન્ડિંગ અને જીવન માટેનો જુસ્સો જોવા લાયક છે. ડૉ. લેવિન પોતાને “હેલ્ધી એજિંગ એક્સપર્ટ” કહે છે અને તેઓ માને છે કે ઉંમર ક્યારેય જીવન જીવવાનો ઉત્સાહ છીનવી શકતી નથી. ડૉ. લેવિન અને તેમની પત્નીએ આઈવીએફ અને સ્પર્મ ડોનેશનની મદદથી બાળકને જન્મ આપ્યો હતો.
તેમણે જણાવ્યું કે આ પ્રક્રિયા સહેલી નહોતી. તેમાં ધીરજ, વિશ્વાસ અને સમર્પણની જરૂર હતી. પરંતુ બંનેએ હિંમત રાખી અને સફળતા મેળવી. હવે તેઓ આ જ પ્રક્રિયા દ્વારા વધુ એક બાળક પેદા કરવાની તૈયારીમાં છે. 93 વર્ષના લેવિનનું કહેવું છે કે તેઓ પોતાના પુત્ર ગેબીની પરવરિશમાં સક્રિય ભાગ લે છે. તેઓ રોજ ગેબી સાથે રમે છે, તેને વાંચવાનું શીખવે છે અને સમય આપે છે.
તેમની ઈચ્છા છે કે તેઓ પોતાના પુત્રના 21મા જન્મદિવસ સુધી જીવતા રહે. જો એવું થાય, તો તેમની ઉંમર 116 વર્ષ થશે. તેઓ કહે છે, “મારું લક્ષ્ય છે કે હું મારા પુત્રને મોટી ઉંમર સુધી માર્ગદર્શન આપી શકું અને તેને જીવનના મૂલ્યો સમજાવી શકું.” તે ઉપરાંત, ડૉ. લેવિને કહ્યું કે તેઓ પોતાના પુત્રના બાર મિત્ઝ્વાહ (યહૂદી પરંપરામાં 13મા વર્ષ પર મનાવાતો સંસ્કાર)માં પણ હાજર રહેવા માંગે છે. ગેબી તેમની ચોથી સંતાન છે. તેમના પહેલા લગ્નથી ત્રણ બાળકો છે. એશ્લે (62), સામંથા (60), અને ગ્રેગ, જેમનું 2024માં મોટર ન્યુરોન રોગને કારણે નિધન થયું હતું. હાલ તેમને 10 પૌત્ર-પૌત્રીઓ અને એક પ્રપૌત્ર છે. તેમ છતાં તેઓ જીવન પ્રત્યે એટલા જ ઉત્સાહી છે જેટલા કોઈ યુવાન હોય.