૯૨૭મી રામકથાનો વિરામ,આવતા શનિવારથી સાંતાક્રૂઝ-મુંબઇથી પ્રવાહિત થશે નવી કથા.
રામચરિતમાનસ સ્વયં ગુરુવર્યમ છે. ગુરુવર્યમ-કામને રામમાં,ક્રોધને બોધમાં,લોભને ક્ષોભમાં,મદને પરમ પદ સુધી,મોહને નેહમાં અને મત્સરને મતપર-ભાવમાં પરિવર્તિત કરી દે છે.
કથા બીજ પંક્તિ:
તુમ્હ તેં અધિક ગુરહિ જિય જાનિ;
સકલ ભાયં સેવહિ સનમાની.
-અયોધ્યાકાંડ,દોહા-૧૨૮
ગુર બિબેક સાગર જગ જાના;
જિન્હહિ બિસ્વ કરબદર સમાના.
-અયોધ્યાકાંડ દોહા-૧૮૧
આ બીજ પંક્તિઓથી પ્રવાહિત થયેલી રામકથાનાં આજે પૂર્ણાહૂતિ દિવસે ઉપસંહારક સંવાદ કરતા બાપુએ કહ્યું:એક અર્થમાં જોઈએ તો રામચરિત માનસ સ્વયં ગુરુવર્યમ છે.સંસારમાં પરમગુરૂ કોણ ત્યાંથી આરંભ કરી અને નવ દિવસ આ સંવાદી ચર્ચાઓ ચાલી.ગુરુ સમાન કોઈ શ્રેષ્ઠ નથી આ બેટૂક વાત છે.સમર્થ સ્વામી રામદાસજીનું એક અમૃત વચન છે કે:ગુરુથી વધીને ભગવાન છે એવું જેને લાગે છે એ અભાગિયો છે.ગુરુને જાણી શકાય છે ગુરુકૃપાથી જ.ગુરુ ઉપર,ગુરુના વચનો ઉપર આપણા મનમાં દુષ્ટતર્ક થાય છે એ વખતે એની કરુણા બમણા વેગથી વરસે છે પણ આપણને ઓછી મહેસૂસ થાય છે.તમે તો માની લેશો,કોઈ તર્ક પણ નહીં કરો છતાં પણ માનસ સ્વયં ગુરુવર્યમ છે. ગ્રંથ શ્રેષ્ઠ છે એમ તો કદાચ નહીં કહું કારણ કે દરેક ગ્રંથ પોતાની ઊંચાઈ લઈને બેઠેલા છે.આપણે ત્યાં છ વિકાર-ષડવિકાર:કામ,ક્રોધ,લોભ,મદ,મોહ,મત્સર જેને ષડરિપુ,ષડદોષની ચર્ચાઓ થઈ છે.ક્યારેક ક્યારેક એને દુર્ગતિના પંથ,દુર્ગતિના દ્વાર પણ બતાવવામાં આવ્યા છે.માનસ જેવું ગુરુવર્ય મળી જાય તો ક્રાંતિ થઈ જાય છે.આપણામાં રહેલા કામને રામમાં પરિવર્તિત કરી દે છે.એ ગુરુવર્યમના કારણે બધા જ કામ રામમાં દેખાવા લાગે છે.માનસને કમજોર ન સમજો,સમજમાં ન આવે તો આપણી કમજોરી છે.કામ ક્ષણિક છે રામ અનંત છે,શાશ્વત છે.આ ગુરુવર્યમ ક્રોધને બોધમાં પરિવર્તિત કરે છે. આપણે ત્યાં ઘંટી હોય છે,ગામડાઓમાં ઘંટી પણ હોય,અન્ન પણ હોય,હાથમાં શક્તિ પણ હોય પણ એ ઘંટીને ઉંધી ફેરવીએ તો અન્ન પિસાતું નથી એને ટાંચણીથી વારંવાર ટંકાવી હોય છે,ઉંધી ફેરવવાથી લોટ દળાતો નથી.ક્રોધ આપણને ઉલટા ઘુમાવે છે. આપણી યાત્રામાં આપણે ઉલટા દળણાં દળ્યા છે એ જ તકલીફ છે.માનસનો આશરો કરવાથી લોભ ક્ષોભમાં પરિવર્તિત થઈ જાય છે.આપણામાં રહેલા મદને પરમપદનાં આશ્રય સુધી પહોંચાડે છે.મદને પરમપદ પ્રદાન કરે છે.મોહનું નેહમાં પરિવર્તન કરી દે છે.આપણામાં રહેલો મત્સર,ઇર્ષા,દ્વૈશભાવ એવો વિકાર જેમાં દુર્ગુણ ધીમે-ધીમે આગળ વધે છે, માનસરૂપી ગુરુવર્યમ એ મત્સરને મતપર-મારા પરાયણ કરી આપે છે.આમ છ એ વિકારોને ફેરવી નાખે છે.માનસ આપણા મનને સાધુ બનાવી દે છે. મનને એવું સાધવું કે મન સાધુ થઈ જાય.ગુરુવર્યમ એ છે જેનું મન સાધુ થઈ ગયું છે.તન દીક્ષિત નથી થયું,મન દીક્ષિત થઈ ગયું છે.મનને હટાવવાનું નથી મને ચંદ્રમા છે.વધઘટ થાય છે પણ એની શીતળતા કાયમ રહે છે.ભગવદ કથાથી મોટો કોઈ આધ્યાત્મિક શૃંગાર નથી.ગુરુવર્યમ એ છે જ્યાં મન સાધુ છે,બુદ્ધિ સર્જક છે,ચિત્ત નિરંતર પ્રસન્ન છે,અહંકાર શિવ બની ગયો છે.સાધુ-મન,બુદ્ધિ-પ્રજ્ઞા,ચિત્ત-ચંદ્રમા અને અહંકાર-શિવ એ ગુરુવર્યમના લક્ષણો છે.
રામચરિત માનસમાં અંતે સાર-અર્ક લખતા તુલસીજી કહે છે:
યહ કલિકાલ ન સાધન દુજા;
જોગ જગ્ય જપ તપ બ્રત પૂજા.
સમગ્ર કથા આયોજન માટે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા બાપુએ કથાનું સુફળ-સુકૃત ભગવાન ગુરુવાયુરનાં ચરણોમાં સમર્પિત કરીને અચ્યુતમ કેશવમ..તેમજ ભરોસો દૃઢ ઇન ચરણન કેરો.. સાથે કથાને વિરામ આપ્યો.
આગામી-૯૨૮મી રામકથાનો ૨ ડીસેમ્બર શનિવારથી સાંતાક્રૂઝ(પૂર્વ)-મુંબઇ(મહારાષ્ટ્ર)થી મંગલ આરંભ થશે.જેનું જીવંત પ્રસારણ નિયત નિયમિત સમયે આસ્થા ટીવી અને ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલનાં માધ્યમથી નિહાળી શકાશે.