સરકાર દ્વારા ઓનલાઇન પેમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને તેને લઈને વિવિધ કંપનીઓ દ્વારા એપ્લિકેશનો પણ શરૂ કરાઇ છે. જેના કારણે લોકોને પેમેન્ટ કરવું સરળ બન્યું છે. પરંતુ આ વચ્ચે ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ પણ વધી રહી છે. આવો જ એક કિસ્સો અમરાઈવાડીમાં પૂજાપાની દુકાન ધરાવતા મહાનભાઈ ભાવસાર સાથે બન્યો છે. તેમના બેંક ખાતામાંથી ૮૯ હજાર રૂપિયા ઉપડી ગયા છે. જે બાબતે મહાનભાઈએ પોલીસ કમિશનર અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. અમરાઈવાડીમાં જૂની દેના બેન્ક પાસે મધુરમ ધૂપ ભંડાર નામની દુકાન ધરાવતા મહાનભાઈ ભાવસાર સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. શનિવારે તેઓ દુકાન બંધ કરીને જતા હતા ત્યારે તેમના ICICI બેંક ખાતામાંથી ૮૯ હજાર રૂપિયા ઉપડી ગયાનો મેસેજ આવતા તેમને જાણ થઈ હતી. જોકે વગર ઓટીપી અને પ્રોસેસ વગર નાણા ઉપડી ગયા હતા તેથી તેમને ખાતામાંથી નાણાં ઉપડી ગયાની ૧૫ મિનિટ બાદ મેસેજ જોતા જાણ થઈ હતી.
આ અંગે મહાન ભાવસારે તપાસ કરતા તેમના ખાતામાંથી ૮૯ હજાર રૂપિયા ઉપડી ગયા હતા અને બતાસી બેગમના ખાતામાં જમા થયા હતા. જે ટ્રાન્જેક્શનમાં એક મોબાઈલ નંબર પણ હતો. જેની તપાસ કરતા નાણાં ઉપડનારના મોબાઈલ નંબર ગુગલ પેમાં નાખતા નંબર રાજેશ મંડલ નામ બતાવતો હતો. જે મામલે દુકાનદારે પોલીસ કમિશનર અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં પણ મહાન ભાવસારને છેલ્લા એક વર્ષથી અલગ અલગ વ્યક્તિ પણ ફોન કરતા હોવાનું પણ દુકાનદારનું નિવેદન છે. કોઈ વ્યક્તિ આર્મી જવાનના નામે ઓર્ડર આપવાના બહાને પાંચ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેતો હતો તો કોઈ વ્યક્તિ paytmના નામે રિવર્ડ જમા થયા છે તે ઉપાડી લેવાનું કહેતો હતો. જેથી અગાઉ આવેલ ફોનના લોકોએ જ હાલમાં નાણાં ઉપાડ્યા હોવાની શંકા છે. દુકાનદારને આશા છે કે પોલીસ યોગ્ય તપાસ કરી તેમના નાણાં ઉપડી ગયા છે તે જલ્દી પરત કરાવશે.