હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૨” જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત નીચે દર્શાવેલ પાંચમાંથી કોઈપણ ક્ષેત્રે સારી કામગીરી, ફરજ નિભાવી રહેલ અને ઓછા પ્રચલિત હોય તેવા વ્યક્તિ, સંસ્થા, સમુદાયને સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કાર પાછળ અમારો હેતુ એવો છે કે સ્થાનિક સ્તરે ઉચ્ચ કક્ષાની કામગીરી નિભાવનાર અને પોતાના વિસ્તારની ઓળખસમા વ્યક્તિ, સંસ્થા, સમુદાયનું ગરીમામયી સન્માન થાય. અમને આશા છે કે અમારો આ નાનકડો પ્રયાસ કાર્યરત વ્યક્તિ, સંસ્થા, સમુદાયનો જુસ્સો વધારવામાં અને જનસમુદાય સુધી આ ઓળખને પહોચાડવામાં ઉપયોગી સાબિત થશે.
સેવાકીય ક્ષેત્ર –
૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ
૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ
૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે)
૪) લેખન અને પ્રકાશન
૫) હેરીટેજ પ્રવાસન
આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ આગામી ૨૫ ડિસેમ્બરનાં રોજ IITE, ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. ઉપરોક્ત વિષયનાં જ નિષ્ણાતો દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવશે જેમાં જાણીતા સામાજિક કાર્યકર્તા શ્રી અનારબેન પટેલ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે, જ્યારે અધિક કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડની ગરીમામયી ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાશે. અતિથી વિશેષમાં જાણીતા લેખક અને ચિંતક શ્રી કિશોર મકવાણા, ગુજરાત સાહિત્ય અકાદમીનાં મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, રોયલ પરિવારમાંથી અને હેરિટેજ પ્રવાસન સમિતીનાં સક્રિય સભ્ય શ્રી પુંજાબાપુ વાળા, જાણીતા પર્યાવરણવિદ્દ શ્રી મનીષ વૈદ્ય ઉપસ્થિત રહેશે, એમ સંસ્થાનાં મેનેજિગ ટ્રસ્ટી શ્રી કપિલ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ કાર્યક્રમ દરમ્યાન ટીમ અતુલ્ય વારસો દ્વારા ગુજરાતનાં સૌ નામાંકિત અને હેરિટેજ પ્રેમીઓની ઉપસ્થિતિમાં એક નવા અભિયાનનો શુભારંભ કરાશે જેનું નામ છે ‘વાત વતનની’, રાજ્યમાં, રાજ્ય બહાર અને દેશ બહાર વસવાટ કરતા વતનના લોકો દ્વારા વતનનાં વારસાને ઉજાગર કરવા માટેનો એક પ્રયાસ આ અભિયાન દ્વારા થશે, જેની વધુ વિગતો ૨૫ ડિસેમ્બરે જાહેર કરાશે.