લંડન : તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટનમાં મોટાભાગની મહિલાઓ અથવા તો ૮૦ ટકાથી વધુ મહિલાઓ પોલીસ સમક્ષ રેપના સંબંધમાં અથવા તો જાતિય સતામણીના કેસમાં ફરિયાદ કરતી નથી. મોટાભાગના કેસોમાં મહિલાઓ ફરિયાદ નોંધાવતી નથી. કારણ કે તેમના પર અત્યાચાર કરનાર લોકો અંગે માહિતી આપવાની સ્થિતિમાં તે ખચકાટ અનુભવ કરે છે. સાથે સાથે એમ પણ માને છે કે હુમલાખોરને ન્યાયીક સપાટી ઉપર લાવવામાં પોલીસને સફળતા હાથ લાગશે નહીં.
બ્રિટનના જાણીતા અખબાર ડેલી ટેલિગ્રાફે પેરેન્ટીંગ વેબસાઈટ મમ્સનેટને ટાકીને જણાવવામાં આવ્યું છે કે સર્વેના તારણ ખૂબ જ ચોંકાવનારા છે. ૧૬૦૦ મહિલાઓને આવરી લઈને અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમા તમામ મહિલાઓના મત લેવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે ૧૦ ટકા જેટલી મહિલાઓ ઉપર બળાત્કાર થઈ ચૂક્યો છે જ્યારે ૩૫ ટકાથી વધુ મહિલાઓ જાતિય અત્યાચારનો શિકાર થઈ ચૂકી છે. ભોગ બનેલી મહિલાઓ પૈકી મોટાભાગની મહિલાઓ માને છે કે પોલીસ આરોપીઓને પકડી પાડવામાં સફળ થતી નથી. ૮૩ ટકા મહિલાઓએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી ન હતી.
જ્યારે ૨૯ ટકા મહિલાઓએ તેમની સાથે શું થયું તે અંગે પણ પરિવાર અથવા તો મિત્રને વાત કરી નથી. અભ્યાસ દરમિયાન અડધીથી વધુ મહિલાઓએ કહ્યું છે કે તેઓ તેમની સાથે થયેલા અત્યાચારને લઈને શરમ અથવા તો ગંભીર પ્રકારના ગુનાની લાગણી અનુભવ કરે છે. બે તૃતીયાંશ મહિલાઓ માને છે કે અપરાધી ઠેરવવાનો રેટ ઓછો હોવાથી તેઓ પોલીસ સમક્ષ ફરિયાદ કરતી નથી. સર્વેના ભાગરૂપે ૧૬૦૯ જેટલી મહિલાઓએ તેમના મત આપ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે કાયદાકીય વ્યવસ્થા, મીડિયા અને સમાજ મોટાભાગે બળાત્કારનો શિકાર થયેલી મહિલાઓ પ્રત્યે ઉદાસીન વલણ અપનાવે છે. સહાનુભૂતિ પૂર્વકના વલણ નહીં હોવાના કારણે મહિલાઓ મોટાભાગે ફરિયાદ નોંધાવતી નથી.