ઈલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ૮ લોકો જીવતા ભૂંજાઈને મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

તેલંગણાના સિકંદરાબાદમાં એક ઈ બાઈક શોરૂમમાં આગ લાગવાથી આઠ લોકોના ભૂંજાઈને મોત નિપજ્યા. જ્યારે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ ઘટના સોમવાર સાંજની છે. હૈદરાબાદ પોલીસ કમિશનર સીવી આનંદે કહ્યું કે આઠ લોકોના મોતના સમાચાર છે. ઘાયલોને ગાંધી અને યશોદા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ફાયરની બે ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે ઝઝૂમી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુનિટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. આગમાં અનેક ઈ બાઈક પણ બળીને ખાખ થઈ ગઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમમાં આગ લાગ્યા બાદ ઈમારતના ઉપરના માળે આવેલા રૂબી લોજમાં ભારે ધૂમાડો ફેલાઈ ગઓ.

ફાયર કર્મીઓએ ૯ લોકોને બચાવવામાં સફળતા મેળવી. આ  ઘટનાથી ઈમારતમાં ખળભળાટ મચી ગયો. કેટલાક મહેમાનોએ કથિત રીતે પોતાને બચાવવા માટે બારીઓમાંથી છલાંગ મારી. રાજ્યના પશુપાલન મંત્રી ટી શ્રીનિવાસ યાદવ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ તથા રાહત અભિયાનની નિગરાણી કરી રહ્યા હતા. ભયાનક અકસ્માત પર પીએમ નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તેલંગણાના સિકંદરાબાદમાં આગ લાગવાથી થયેલા મોતથી દુખી છું. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે PMNRF માંથી પ્રત્યેક મૃતકના પરિજનોને બે લાખ રૂપિયા સહાય આપવામાં આવશે અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા વળતર આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે આ ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. પાસપોર્ટ ઓફિસ પાસે એક ચાર માળની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઈલેક્ટ્રિક વ્હીકલ શોરૂમમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સને ચાર્જ કરવામાં આવી રહ્યા હતા.

આ કારણે ત્યાં શોર્ટ સર્કિટ થયું હોવાનું કહેવાય છે અને આગ લાગી. ધીરે ધીરે આખી ઈમારત આગની જ્વાળાઓ અને ધૂમાડામાં લપેટાઈ ગઈ. ગ્રાઉન્ડ ફ્લોરે ઈલેક્ટ્રિક વ્હિકલનો શોરૂમ અને ઉપરના માળો પર હોટલ અને રેસ્ટોરન્ટ આવેલી છે. હોટલમાં રોકાયેલા લોકો પણ આ દુર્ઘટનાથી ખુબ  પ્રભાવિત થયા.  શ્વાસ રૂંધાવાની સમસ્યા થઈ. અનેક લોકોએ આગથી બચવા માટે ત્રીજા-ચોથા માળેથી છલાંગ લગાવી હોવાનું કહેવાય છે.

Share This Article