જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા નિર્માણાધીન મંદિર વિશ્વઉમિયાધામ-જાસપુર, અમદાવાદ ખાતે 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વઉમિયાધામ મંદિર પરિસરમાં આસ્થા અને દેશભક્તિનો અનેરો સંગમ દેખાયો હતો. જ્યાં સનાતન ધર્મની ધજા ફરકે છે ત્યાં દેશની આન-બાન અને શાન સમો તિરંગો લહેરાયો હતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલના અધ્યક્ષતામાં યોજાયેલા ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં સંસ્થાની વિવિધ કમિટીના ચેરમેન અને હોદ્દેદારો પધાર્યા હતા.
મહત્વનું છે કે વિશ્વઉમિયાધામ ખાતે અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ પટેલે ધ્વજારોહણ કર્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમમાં અમેરિકાથી પધારેલા વિશ્વઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંગે વાત કરતા પ્રમુખ શ્રી આર.પી.પટેલ જણાવે છે કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને ગણતંત્રની રક્ષા કરવાના સંકલ્પ સાથે વિશ્વઉમિયાધામ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરના નિર્માણ માટે ઈંટદાન જાગૃતિ અભિયાન અંગે નાટક રજુ કરાયું હતું. તો સાથે દેશભક્તિના નૃત્યો અને ગીતનું પર્ફોમન્સ કરાયું હતું
