કોચી: કેરળમાં વિનાશકારી પુર બાદ એકબાજુ સ્થિતીને સામાન્ય બનાવવાના પ્રયાસ યુદ્ધસ્તર પર કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ દેશભરના લોકો સહાય માટે આગળ આવી રહ્યા છે. આંકડા પરથી આ બાબત સ્પષ્ટ થઇ જાય છે. આંકડા દર્શાવે છે કે માત્ર ૧૪ દિવસના ગાળામાં જ મુખ્યપ્રધાન રાહત ફંડમાં પબ્લિક યોગદાનનો આંકડો ૭૧૩.૯૨ કરોડ સુધી પહોંચી ગયો છે. આ રકમ પુરગ્રસ્ત કેરળ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ૬૦૦ કરોડની સહાય કરતા વધારે છે.
કેન્દ્ર સરકારે જે રકમ આપી છે તે રકમ કરતા ૨૦ ટકા વધારે રકમ લોકો તરફથી આપવામાં આવી છે. રાજ્યને કેન્દ્રની સહાય બે તબક્કામાં મળી છે. ૧૪મી ઓગષ્ટ બાદથી મુખ્યપ્રધાન રાહત ફંડમાં ૩.૯૧ લાખ લોકો દ્વારા યોદગાન આપવામાં આવ્યુ છે. માનવતાવાદી સહાય કેરળને વ્યક્તિગતરીતે અને સામુહિક રીતે મળી રહી છે. અન્ય રાહત ફંડમાં જે રકમ મળે છે તેના કરતા આ આંકડો વધારે છે. સીએમડીઆરએફને સોમવારના દિવસે જ યોગદાનનો આંકડો ૫.૬ કરોડ રૂપિયાનો રહ્યો હતો. ૭૧૩.૯૨ કરોડની રકમ પૈકી ૧૩૨ કરોડની રકમ બેંકો અને યુપીઆઇ મારફતે મળી છે. કેરળને મદદનો પ્રવાહ અવિરત રીતે જારી રહ્યો છે.
કેરળના પુરગ્રસ્ત ગામડાના ફેરનિર્માણના પ્રયાસો શરૂ થઇ ચુક્યા છે. પુરગ્રસ્ત કેરળમાં ૮.૬૯ લાખથી વધારે લોકો હજુ રાહત કેમ્પમાં છે. એરફોર્સના ૨૨ હેલિકોપ્ટર, નેવીની ૪૦ નૌકાઓ, કોસ્ટગાર્ડની ૩૫ હોડીઓ, બીએસએફની ચાર કંપનીઓ બચાવ અને રાહત કામગીરીમાં હજુ પણ લાગેલી છે. એનડીઆરએફની ૫૮ ટીમો લાગેલી છે. સેંકડો લોકો રાહત કેમ્પમાંથી પોતાના આવાસ ઉપર પરત ફરી રહ્યા છે છતાં હજુ ૨૭૮૭ રાહત છાવણીમાં ૮.૬૯ લાખ લોકો રહેલા છે. આઠમી ઓગસ્ટથી ૨૯૩ના મોત થઈ ચુક્યા છે. જ્યારે ૨૯મી મે બાદથી મોતનો આંકડો ૪૧૭ સુધી પહોંચ્યો છે. કેરળમાં સદીના સૌથી વિનાશકારી પુર તરીકે આને જાવામાં આવે છે. પુરના કારણે શરૂઆતી નુકસાન મુજબ આંકડો ૨૦ હજાર કરોડ સુધી દર્શાવવામાં આવ્યો છે.
રાજ્ય સરકારની વાર્ષિક યોજના સાથે સુચિત બજેટનો આંકડો ૨૯૧૫૦ કરોડનો રહ્યો છે. તેમાં કેન્દ્ર દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ પણ સામેલ છે. આ વર્ષે રાજ્યના બજેટનો આંકડો ૩૭૨૭૩ કરોડ સુધી રહી શકે છે. મોતનો આંકડો મે બાદથી ૪૧૭ સુધી પહોંચી ગયો છે. માર્ગ નેટવર્કને થયેલા નુકસાનનો આંકડો શરૂઆતી રીતે ૪૫૦૦ કરોડનો છે.જ્યારે પાવર સેકટરમાં થયેલા નુકસાનનો આંકડો ૭૫૦ કરોડ અને જળ વિભાગને થયેલા નુકસાનનો આંકડો ૯૦૦ કરોડનો છે. ૮મી ઓગસ્ટ બાદથી કેરળમાં અભૂતપૂર્વ નુકસાન થઇ ચુક્યું છે. બચાવ અને રાહત કામગીરી કેરળના પુરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ ચાલી રહી છે. રાહત કેમ્પોમાં રહેતા લોકોની સંખ્યા ૧૦ લાખથી ઉપર નોંધાયેલી છે. રોગચાળાનો ખતરો હજુ તોળાઈ રહ્યો છે. સાફ સફાઈને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ઓપરેશન સફાઈ હેઠળ લાખો ઘરો અને આવાસોમાં સાફસફાઈની કામગીરી હાથ ધરાઈ છે. ૬૦૦૦૦થી વધારે આવાસને નુકસાન થયું છે. કેરળને પુરના કારણે થયેલા નુકસાનની ગણતરી હજુ કરવામાં આવી રહી છે. નુકસાનનો આંકડો ખુબ ઉપર પહોંચી શકે છે. કારણ કે હજુ જનજીવનને સામાન્ય બનાવવા માટેની પ્રક્રિયા ચાલી રહીછે. સાફ સફાઇને સર્વોચ્ચ પ્રાથમિકતા હાલમાં આપવામાં આવી રહી છે.