ગાંધીનગર : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ આજે જાહેર કરવામા આવ્યુ હતુ. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. ધોરણ-૧૨ સાયન્સનુ પરિણામ ૭૧.૯૦ રહ્યુ છે. જે છેલ્લા સાત વર્ષનુ સૌથી ઓછુ પરિણામ રહ્યુ છે. જેમાં ૭૧.૮૩ ટકા વિદ્યાર્થીઓનુ પરિણામ અને ૭૨.૦૧ ટકા વિદ્યાર્થિનીઓનુ પરિણામ રહ્યુ છે. અંગ્રેજી માધ્યમનુ પરિણામ ૭૫.૧૩ ટકા રહ્યુ છે. આવી જ રીતે ગુજરાતી માધ્યમનુ પરિણામ ૭૧.૦૯ ટકા રહ્યુ છે. રાજકોટ જિલ્લો રાજ્યમાં ૮૪.૧૭ ટકા સાથે ફરી પ્રથમ ક્રમાંકે છે.
સતત બીજા વર્ષે રાજકોટ જિલ્લાએ બાજી મારી છે. આવી જ રીતે છોટા ઉદેયપુરનુ પરિણામ સૌથી ઓછુ રહ્યુ છે. ગુજરાત રાજયના ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતુ. ગુજરાત રાજયમાં ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ સાથે ફાર્મસી, એન્જીનીયરીંગ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમ માટે લેવાયેલી ગુજકેટની પરીક્ષાના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના પરિણામની માહિતી સવારે આઠ વાગ્યાથી બોર્ડની વેબસાઇટ જીએસઇબી.ઓરજી પરથી મેળવી લેવા માટે કહેવામાં આવ્યુ હતુ.
ગુજરાત રાજય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સાથે આ વખતે શાળા અને ઇન્ટરનેટ એમ બંને પર એકસાથે એક જ દિવસે પરિણામ જાહેર કરી વામાં આવ્યુ છે. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા આપી ચુકેલા રાજયના ૧,૪૭,૩૦૨ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવામા આવ્યુ હતુ. ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહની સાથે સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ. ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓએ ઉપરોકત સમય દરમ્યાન જે તે શાળામાં જરૂરી પુરાવાઓ રજૂ કરી ગુજકેટના પરિણામનું પ્રમાણપત્ર મેળવી લેવા પહોંચ ગયા હતા. દરમ્યાન ગુજરાત બોર્ડ સિવાયના અન્ય વિદ્યાર્થીઓની ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવાનું પણ બોર્ડ દ્વારા આયોજન કરાયું છે.
ગુજકેટની પરીક્ષામાં કુલ ૧,૩૬,૫૧૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮માં ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહનું પરિણામ ૭૨.૯૯ ટકા જાહેર થયુ હતું. આ પરિણામ, છેલ્લા પાંચ વર્ષના પરિણામ કરતાં સૌથી ઓછુ પરિણામ હતું. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ભાષાના માધ્યમ પ્રમાણે પરિણામ અંતર્ગત ગુજરાતી માધ્યમનું ૭૨.૪૫ ટકા પરિણામ, જયારે અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૫.૭૮ ટકા આવ્યું હતું વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હવે સામાન્ય પ્રવાહનુ પરિણામ પણ જાહેર કરવામાં આવનાર છે. સાથે સાથે ધોરણ-૧૦ના બોર્ડનુ પરિણામ પણ હવે ટુંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ઉંચા માર્ક મેળવી લેનાર વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહિત અને ખુશ દેખાતા હતા. વાલીઓ પણ ભારે ખુશ નજરે પડ્યા હતા.