કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા ૭૦૦ ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં દેશનિકાલનો સામનો કરવો પડી રહ્યો છે. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ પંજાબના છે. હવે પંજાબના NRI મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે આ મામલે વિદેશ મંત્રી એસ જયશંકર પાસે હસ્તક્ષેપની માંગ કરી છે અને તેમને પત્ર લખ્યો છે. આ સંદર્ભમાં વિદેશ મંત્રી જયશંકરને લખેલા પત્રમાં તેમને મળવા માટે સમય માંગ્યો હતો. ૭૦૦ થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં દેશનિકાલનો સામનો કરી રહ્યા છે. કેનેડા સરકાર દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને ઈમિગ્રેશન નોટિસ આપવામાં આવી છે જેનો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.
પંજાબના એનઆરઆઈ મંત્રીએ કહ્યું કે, તમામ વિદ્યાર્થીઓ નિર્દોષ છે અને તેમનો કોઈ દોષ નથી. તેમની સાથે નકલી ટોળકી દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. કેનેડિયન અધિકારીઓને તપાસમાં જાણવા મળ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓ જ્યાં ભણતા હતા તે શૈક્ષણિક સંસ્થાઓના એડમિટ કાર્ડ નકલી હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એડમિશન સમયે વિદ્યાર્થીઓએ સબમિટ કરેલા દસ્તાવેજો પણ નકલી નીકળ્યા હતા. આ મામલો માર્ચમાં પ્રકાશમાં આવ્યો જ્યારે આ વિદ્યાર્થીઓએ કેનેડામાં કાયમી નિવાસ માટે અરજી કરી. પંજાબના NRI મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યું કે, મેં વિદેશ મંત્રીને મળવા માટે સમય માંગ્યો છે, જેથી તેઓને આખા મામલાની અંગત રીતે જાણ કરી શકાય. વિદેશ મંત્રીને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે જો ભારત સરકાર પોતાના સ્તરેથી સમગ્ર મામલાની તપાસ કરશે અને કેનેડાના હાઈ કમિશન અને કેનેડા સરકાર સાથે વાતચીત કરશે તો આ વિદ્યાર્થીઓને દેશનિકાલ થતા બચાવી શકાશે. ધાલીવાલે વિનંતી કરી હતી કે, આ વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવામાં ન આવે અને તેમના વિઝાને ધ્યાનમાં લઈને વર્ક પરમિટ આપવામાં આવે.