જરૂરિયાતમંદ લોકોને ‘ઘરનું ઘરનું’ સપનું સાકાર કરવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જરૂરિયાતમંદોને અપાતી મકાન સહાયમાં ૭૦ ટકા જેટલો વધારો કર્યો છે, એટલે કે રૂ. ૭૦ હજાર મકાન સહાય અપાતી હતી તે હવે રૂ.૧.૨૦ લાખ અપાશે.
સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું છે કે, અનુસૂચિત જાતિ, બક્ષીપંચની જાતિઓ, વિચરતી-વિમુક્ત જાતિઓ અને બિન અનામત જાતિઓને ઘરના ઘરનું સપનું સાકાર કરવા આ મહત્વનો નિર્ણય કરાયો છે. તેમણે કહ્યું કે, વર્ષ-૨૦૧૪માં જે સહાય ૪૫ હજાર હતી તેમાં વધારો કરીને રૂ.૭૦ હજાર કરાઇ હતી. વધતી જતી મોંઘવારી અને લોકોની માંગણીઓને ધ્યાને લઇને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે રૂ. ૧.૨૦ લાખની સહાય આપવામાં આવે છે. જેને સુસંગત થવા ગુજરાત સરકારની આવાસ યોજનામાં પણ અનુસૂચિત જાતિઓ, બક્ષીપંચની જાતિઓ, વિચરતી-વિમુક્ત જાતિઓ, બિન અનામત, આર્થિક પછાત જાતિઓને મકાન દીઠ રૂ. ૧.૨૦ લાખની સહાય અપાશે.
પરમારે ઉમેર્યું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત બક્ષીપંચની ૧૪૨ જાતિઓ, વિચરતી અને વિમુક્ત ૪૦ જાતિઓ, અંદાજે ૫૮ બિનઅનામત સવર્ણ જાતિઓ તેમજ ડૉ.આંબેડકર આવાસ યોજના અંતર્ગત ૩૬ અનુસૂચિત જાતિઓને હાલ મકાન બનાવવા માટે આ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણયને કારણે ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧.૨૦ લાખ અને શહેરી વિસ્તારમાં રૂ.૧.૫૦ લાખની આવક મર્યાદા ધરાવતા અંદાજે ૨૦ હજાર કુટુંબોને આવરી લઇને અંદાજે રૂ.૨૪૦ કરોડની સહાય આપવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ઓ.બી.સી., ઇ.બી.સી., વિચરતી-વિમુક્ત જાતિ સમૂહો માટે અંદાજે રૂ. ૨૫૬ કરોડના ખર્ચે ૮૧,૩૫૪ ગરીબ પરિવારોને મકાન સહાય આપવામાં આવી છે અને અનુસૂચિત જાતિના ૨૩,૮૮૯ લાભાર્થીઓને અંદાજે રૂ. ૭૧.૯૫ કરોડની સહાય આપવામાં આવી છે.