મહારાષ્ટ્રના અકોલામાં મંદિરના ટિન શેડ પર ઝાડ પડતાં ૭ લોકોના મોત, ૩૦ ઇજાગ્રસ્ત થયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મહારાષ્ટ્રના અકોલાથી મોટા સમાચાર આવી રહ્યા છે કે તોફાની પવન અને વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. બાલાપુર તાલુકામાં બાબુજી મહારાજ મંદિર કેમ્પસના ટીન શેડ પર લીમડાનું ઝાડ પડી ગયું છે. જેના કારણે ટીન શેડ ધરાશાયી થયો અને ૪૦ લોકો તેની નીચે દટાયા. આ ઘટનામાં ૭ લોકોના મોત થયા છે અને ૩૦ લોકો ઘાયલ થયા છે, જેમની અકોલા મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. અકોલા કલેક્ટર નીમા અરોરાએ જણાવ્યું કે અકસ્માત સમયે ૪૦ લોકો હાજર હતા. ટીન શેડ પર એક જૂનું ઝાડ પડ્યું અને તેના કારણે આ દુર્ઘટના સર્જાઇ છે. અકોલાના ડીએમએ કહ્યું કે શેડની નીચે લગભગ ૪૦ લોકો હાજર હતા, જેમાંથી ૩૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જોકે બાદમાં વધુ ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં એક ભક્ત ગંભીર રીતે ઘાયલ થયો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ અકોલામાં થયેલા આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. આ અકસ્માતમાં કેટલાક શ્રદ્ધાળુઓના મોત થયા છે.

પારસમાં ધાર્મિક કાર્યક્રમ માટે લોકો એકઠા થયા હતા. દેવેન્દ્ર ફડણવીસે ટ્‌વીટ કર્યું કે એ જાણીને દુઃખ થયું કે અકોલાના પારસમાં એક ધાર્મિક કાર્યક્રમ માટે એકત્ર થયેલા લોકોનું ટીન શેડ પર ઝાડ પડવાથી મૃત્યુ થયું છે. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કલેક્ટર અને એસપીએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘાયલોને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે સંકલન કર્યું હતું. અમે તેમની સાથે સતત સંપર્કમાં છીએ. ઘાયલોની સારવાર ચાલુ છે.

Share This Article