“સાહેબ અમને આ ત્રાસમાંથી મુક્તિ આપો…” પરિવારના 7 સભ્યો મોબાઈલ અડવાથી પણ ડરે છે

Rudra
By Rudra 4 Min Read

બરોડા : મોબાઇલ હેકરના ત્રાસથી કંટાળીને છાણી વિસ્તારમાં રહેતા પરિવારના 7 સભ્યોએ પોતાના મોબાઇલ ફોન છેલ્લા 20 દિવસથી બંધ કરી દીધા છે. તેઓ કોઇ મોબાઇલ ફોન વાપરતા નથી. હેકર દ્વારા છેલ્લા દોઢ મહિનાથી તેઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. પરિવારે સાયબર સેલમાં પણ આ અંગે ફરિયાદ કરી છે. પરંતુ, હજી સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. હેકર દ્વારા હવે 25 લાખની ખંડણી માંગી જાનથી મારી નાંખવાની ધમકી શરૂ થઇ છે. પરંતુ, પોલીસના પેટનું પાણી હલતું નથી.

છાણી વિસ્તારમાં રામા કાકાની ડેરી પાસે રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા સિનિયર સિટિઝનના પરિવારના સભ્યો છેલ્લા દોઢ મહિનાથી હેકરના ત્રાસથી પરેશાન થઇ ગયા છે. આ સિલસિલો ગત તા. 29મી ઓગસ્ટથી શરૂ થયો છે. પહેલો મેસેજ તેમના પરિવારની દીકરી પર હાઇ લખીને આવ્યો હતો. મેસેજ કરનારે પોતાનું નામ મનિષ જણાવ્યું હતું. ત્યારબાદ તેણે ફોટા મોકલવાનું કહી ગાળો લખીને મોકલી હતી. ધમકી આપીને તેણે ગૂગલ પે નો પાસવર્ડ માંગ્યો હતો. કંટાળીને તેઓએ વોટ્‌સએપ બંધ કરી દીધું હતું. ત્યારબાદ હેકરે ટેક્સ મેસેજ કરવાનું શરૂ કર્યુ હતું. હેકરે સિનિયર સિટિઝનના પરિવારજનોના મોબાઇલ પર મેસેજ કરવાનું શરૂ કર્યુ હતું. મોબાઇલમાં સેવ કરેલા નંબર પર અંદરોઅંદર મેસેજ થવાનું શરૂ થયું હતું. ગાળો અને ધમકીભર્યા મેસેજ સગા સંબંધીઓમાં આપમેળે જ જતા રહેતા હતા. જેથી, તેઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તેમણે સાયબર સેલનો સંપર્ક કરવા કહ્યું હતું. પરિવારે સાયબર સેલમાં 1 લી સપ્ટેમ્બરે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ અરજી સ્વરૂપે લેવામાં આવી હતી. ત્યારબાદ પણ હેકરનો ત્રાસ ચાલુ રહ્યો હતો. છેવટે પરિવારે કંટાળીને મોબાઇલ ફોન વાપરવાનું છેલ્લા 20 દિવસથી છોડી દીધું છે.

સિનિયર સિટિઝનનું કહેવું છે કે, પોલીસ એવો જવાબ આપી રહી છે કે, આ કૃત્ય કરનાર તમારો ઓળખીતો જ હશે. અમે કહ્યું કે, સાહેબ અમે કંટાળી ગયા છે. જે હોય તેને પકડીને અમને આ ત્રાસમાંથી છોડાવો. 18 દિવસ સુધી સાયબર સેલમાં મોબાઇલ ફોન ઓબ્ઝર્વેશનમાં રાખ્યા વડોદરા ફેમિલીએ પોતાના મોબાઇલ ફોન સાયબર સેલમાં 3જી ઓગસ્ટે જમા કરાવ્યા હતા. તમામ મોબાઇલ ફોન ઓબ્ઝર્વેશનમાં મૂકવામાં આવ્યા હતા. સતત 18 દિવસ સુધી મોબાઇલ ફોન ઓબ્ઝર્વેશનમાં રાખ્યા પછી પણ જેવા મોબાઇલ ફોન સ્ટાર્ટ કર્યા કે, હેકરના મેસેજ આવવાના શરૂ થઇ ગયા. મોબાઇલ પર આપમેળે મેસેજ ટાઇપ થઇને ફોરવર્ડ થઇ જતા હતા. કેટલીક વખત તો 100 અને 108 નંબર પર ડાયલ થઇ જતા હતા. જેથી, પરિવારે છેવટે મોબાઇલ ફોન જ વાપરવાનું બંધ કરી દીધું હતું. મોબાઇલ ફોનમાં સીમ કાર્ડ ના હોય તો પણ મેસેજ ટાઇપ થઇને ફોરવર્ડ થઇ જતા હતા. પરિવારની તમામ ગતિવિધી પર હેકર નજર રાખે છે વડોદરા,પરિવારના સભ્યો શું કરે છે? ક્યાં જાય છે? શું ખરીદી કરે છે? તેની તમામ માહિતી હેકર મેસેજ કરીને પરિવારના અન્ય સભ્યોને જણાવી એવી પ્રતીતિ કરાવવા માંગતો હતો કે, અમારી નજર તમારી તમામ હિલચાલ પર છે.

જ્યારે સાયબર સેલમાં ફરિયાદ કરવા માટે નીકળ્યા ત્યારે પણ કઇ ગાડીમાં જતા હતા, કયા રૂટ પર જતા હતા. તેમજ પોતે તેમની પાછળ રિક્ષામાં જ હોવાનું જણાવી હેકર ધમકાવતો હતો. પૈસા નહીં આપો તો ગેમ ઓવર થઇ જશે કી પેડ વાળા મોબાઇલમાં સીમ કાર્ડ ના હોય તો પણ મેસેજ આવે છે. વડોદરા પરિવારની એક જ માંગણી છે કે, આ હેકરના ત્રાસમાંથી અમને છોડાવો. હેકર જો અમારો ઓળખીતો હોય તો તેની સામે પણ કાર્યવાહી કરો. અમારા ઘરમાં નાના બાળકો પણ છે. તેઓના મોબાઇલ ફોનમાં પણ ધમકીભર્યા મેસેજ આવે છે કે, આજે ગેમ ઓવર થઇ જશે. મોબાઇલ ફોનમાં સીમ કાર્ડ ના હોય તો પણ ટેક્સ્ટ મેસેજમાં ડ્રાફ્ટના ફોલ્ડરમાં હેકરના ખંડણી માંગતા મેસેજ આવે છે. પરિવારનું કહેવું છે કે, જો અમે સીમ કાર્ડ ઇન્સર્ટ કરીએ તો અમારા નામે અન્ય કોઇને ધમકીભર્યા મેસેજ જતા રહે. જેથી, અમે સીમ કાર્ડ ઇન્સર્ટ કરતા નથી.

Share This Article