ગાંધીનગર :૬૯માં ફિલ્મફેર એવોર્ડની શરૂઆત શનિવારે ગુજરાતમાં એક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. દર વર્ષે યોજાતા આ એવોર્ડ શોની દરેક વ્યક્તિ રાહ જુએ છે. બે દિવસ સુધી ચાલનારા આ એવોર્ડ શોનું આયોજન ગુજરાતના ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. શનિવારે અનેક એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આજે સાંજે એટલે કે ૨૮ જાન્યુઆરીની સાંજે પણ કેટલાક વધારે એવોર્ડની જાહેરાત કરવામાં આવશે. આ ખાસ અવસરમાં મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો.
ફિલ્મ નિર્માતા કરણ જાેહરથી લઈને અભિનેત્રી નુસરત ભરૂચા આ ઈવેન્ટનો ભાગ બનવા આવ્યા હતા. કરણ જાેહરની સાથે જાહ્નવી કપૂર, ગણેશ આચાર્ય, અપારશક્તિ ખુરાના, ઝરીન ખાન અને કરિશ્મા તન્ના સહિત ઘણા મોટા સ્ટાર્સ અહીં હાજર હતા. અપારશક્તિ ખુરાના અને કરિશ્મા તન્નાએ ૬૯માં ફિલ્મફેર એવોર્ડ શોને હોસ્ટ કર્યો હતો. સ્ટાર્સ એક પછી એક સ્ટેજ પર આવ્યા અને વિવિધ કેટેગરીમાં વિજેતાઓના નામ જાહેર કર્યા અને તેમને એવોર્ડ એનાયત કર્યા છે. વર્ષ ૨૦૨૩માં રિલીઝ થયેલી ફિલ્મોમાં ઘણી સફળતા મળી હતી. શાહરૂખ ખાનથી લઈને રણબીર કપૂર સુધી અને વિકી કૌશલથી લઈને વિક્રાંત મેસીની ફિલ્મો સુધી, તેઓએ તેમના કામ માટે એવોર્ડ જીત્યા હતા. ગણેશ આચાર્યને આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના ગીત ‘વોટ ઝુમકા’ માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ મળ્યો હતો. વિક્રાંત મેસીની ફિલ્મ ૧૨મી ફેલને બેસ્ટ એડિટિંગનો એવોર્ડ મળ્યો છે. તે જ સમયે શાહરૂખ ખાનની જવાનને બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ અને બેસ્ટ એક્શન માટે વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ સિવાય રણબીર કપૂરના એનિમલને બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર અને બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન માટે વિનર જાહેર કરી છે.